Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશભરમાં વસ્તીગણતરીની સાથે જાતિઆધારિત વસ્તીગણતરી પણ થશે

દેશભરમાં વસ્તીગણતરીની સાથે જાતિઆધારિત વસ્તીગણતરી પણ થશે

Published : 01 May, 2025 01:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય કૅબિનેટના ટૉપ મિનિસ્ટર્સની બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય

જાતિઆધારિત વસ્તીગણતરીના નિર્ણય પર પક્ષ-વિપક્ષની પ્રતિક્રિયા

જાતિઆધારિત વસ્તીગણતરીના નિર્ણય પર પક્ષ-વિપક્ષની પ્રતિક્રિયા


દેશભરમાં શરૂ થનારી વસ્તીગણતરી સાથે જાતિઆધારિત વસ્તીગણતરી કરવાનો નિર્ણય નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લીધો છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળના ટૉપ મિનિસ્ટર્સની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. વસ્તીગણતરીના ફૉર્મમાં જ જાતિની પણ કૉલમ હશે. એના આધાર પર જ માહિતી એકત્રિત કરવામાં આવશે કે દેશમાં કઈ જાતિના કેટલા લોકો છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘મોદી સરકારે સમાજના દરેક વર્ગના હિતમાં પગલાં ભર્યાં છે. કૉન્ગ્રેસે હંમેશાં જાતિઆધરિત વસ્તીગણતરીનો વિરોધ કર્યો છે. દિવંગત ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ૨૦૧૦માં સંસદમાં કહ્યું હતું કે આના પર વિચાર કરવામાં આવશે. જોકે એના પર અમલ ન થયો, પરંતુ એક સર્વે જ કરાવ્યો. ત્યાર બાદ જાતિઆધારિત વસ્તીગણતરીના વિષયનો વિપક્ષી ગઠબંધનના નેતાઓએ પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે. કેટલાંક રાજ્યોએ જાતિઆધારિત વસ્તીગણતરી કરી છે, પરંતુ આ કેન્દ્રીય યાદીનો વિષય છે. કેટલાંક રાજ્યોએ આ કામ બરાબર કર્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં અપ્રામાણિક રીતે આ કામ થયું છે.’



જાતિઆધારિત વસ્તીગણતરીના નિર્ણય પર પક્ષ-વિપક્ષની પ્રતિક્રિયા


સત્તામાં હતી ત્યારે કૉન્ગ્રેસે જાતિઆધારિત વસ્તીગણતરીનો વિરોધ કર્યો : અમિત શાહ
સરકારે જ્યારે આ વાત માનવી જ હતી તો રાહુલ ગાંધીનો વિરોધ કેમ કરી રહી હતી? : કૉન્ગ્રેસ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગામી વસ્તીગણતરીની સાથે જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. વિપક્ષી ગઠબંધનના અનેક નેતાઓ અને ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત પોતાની સભાઓ અને પદયાત્રાઓમાં જાતિઆધારિત વસ્તીગણતરીની માગણી કરી રહ્યા હતા, પરંતુ અચાનક આ નિર્ણય લઈને વડા પ્રધાન મોદીએ વિપક્ષી દળો પાસેથી તેમનો મુદ્દો જ છીનવી લીધો છે. NDAના પક્ષો અને કૉન્ગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘સામાજિક ન્યાય માટે સંકલ્પિત મોદી સરકારનો આ ઐતિહાસિક નિર્ણય છે. કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષોએ દાયકાઓ સુધી સત્તામાં રહીને જાતિઆધારિત વસ્તીગણતરીનો વિરોધ કર્યો અને વિપક્ષમાં આવ્યા પછી એના પર રાજનીતિ કરી.’

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય સ્વાગતરૂપ છે. એ અમારા લોકોની જૂની માગણી છે. આ ખૂબ ખુશીની વાત છે કે કેન્દ્ર સરકારે જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે.’

કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ સતત જાતિઆધારિત વસ્તીગણતરીની માગણી ઉઠાવતી હતી, જેના મુખ્ય પક્ષકાર રાહુલ ગાંધી રહ્યા છે. આજે મોદી સરકારે યોગ્ય નિર્ણય લીધો છે, જેની અમે પહેલા દિવસથી માગણી કરી રહ્યા હતા.’

કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે ‘સરકાર તો રાહુલ ગાંધી પર સમાજને જાતિઓમાં ભાગલા પાડવાનો આરોપ લગાવી રહી હતી. તો શું સરકાર હવે સમાજના જાતિઓમાં ભાગલા પાડશે? હવે તેઓ જ એને સરકારનો માસ્ટરસ્ટ્રોક ગણાવશે. સરકારે જ્યારે આ વાત માનવાની જ હતી તો રાહુલ ગાંધીનો વિરોધ કેમ કરી રહી હતી.’

કેન્દ્રના નિર્ણય પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ યાદવે કહ્યું હતું કે ‘અમે સમાજવાદી જેવા અનામત, જાતિઆધારિત વસ્તીગણતરી, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા સહિતના મુદ્દા ૩૦ વર્ષ પહેલાં વિચારીએ છીએ એને બીજા લોકો દાયકાઓ બાદ ફૉલો કરે છે.’

RJDના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે ‘આ અમારી ૩૦ વર્ષ જૂની માગણી હતી. આ અમારી સમાજવાદીઓની અને લાલુ યાદવની જીત છે. એ પહેલાં બિહારના તમામ પક્ષોએ વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી, પરંતુ તેમણે અમારી માગણીને ફગાવી દીધી હતી. આ અમારી તાકાત છે કે તેઓ અમારા એજન્ડા પર કામ કરશે.’

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘જાતિઆધારિત વસ્તીગણતરીનો નિર્ણય ૯૦ ટકા PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક)ની એકતાની ૧૦૦ ટકા જીત છે. અમારા સૌના સંયુક્ત દબાણથી BJP સરકારે મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે. BJP સરકારને ચેતવણી છે કે પોતાના ચૂંટણી-ગોટાળાને જાતિઆધારિત વસ્તીગણતરીથી દૂર રાખે.’

જાતિઆધારિત વસ્તીગણતરીના નિર્ણયનું સમર્થન કરીએ છીએ, પરંતુ પચાસ ટકા અનામતની દીવાલ પણ તોડો : રાહુલ ગાંઘી

કેન્દ્ર સરકારે ગઈ કાલે દેશમાં વસ્તીગણતરીની સાથે જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક મહત્ત્વની પ્રેસ-કૉન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. આ સાથે તેમણે કેટલીક માગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે...

  • કેન્દ્ર સરકાર જલદીથી જલદી ટાઇમલાઇન જાહેર કરે : રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે વસ્તીગણતરી ક્યારે અને કેવી રીતે કરાવવામાં આવશે.
  • તેલંગણ મૉડલને અપનાવવાની સલાહ : રાહુલ ગાંધીએ સલાહ આપી કે કેન્દ્ર સરકાર તેલંગણ સરકારની જેમ ઝડપી, પારદર્શી અને સમાવેશી જાતિ સર્વે મૉડલ અપનાવે.
  • પચાસ ટકા અનામતની મર્યાદા હટાવો : રાહુલ ગાંધીએ માગણી કરતાં કહ્યું કે જાતિગત આંકડાઓના આધારે પચાસ ટકા અનામતની હાલની બંધારણીય મર્યાદાને હટાવવી જરૂરી હશે જેથી ન્યાયી હિસ્સો સુનિશ્ચિત કરી શકાય.
  • ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં અનામત લાગુ કરો : કૉન્ગ્રેસ પાર્ટીએ પોતાના મૅનિફેસ્ટોમાં લખ્યું હતું કે આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં અનામત લાગુ કરવામાં આવે અને અમારી માગ છે કે સરકાર એને તાત્કાલિક લાગુ કરે.
Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 01:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK