દિલ્હીમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસના જવાનોની સંખ્યા વધારીને ૨૬,૦૦૦ કરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
દેશની રાજધાની દિલ્હીમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યાં છે. શનિવારે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આપવામાં આવેલા મોટા પ્રોટેસ્ટના એલાન પહેલાં દિલ્હીમાં સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ના વધારાના ૧૧,૦૦૦ જવાનો તહેનાત કરવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રાલયે આઠથી ૧૨ ઑક્ટોબર સુધી દિલ્હીમાં CAPFની ૧૧૦ કંપનીઓ તહેનાત કરવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં અગાઉથી જ ૧૫,૦૦૦ જેટલા CAPFના જવાનો ફરજ બજાવી રહ્યા છે. આથી હવે નવી તહેનાતી સાથે કેન્દ્રીય દળોની કુલ સંખ્યા વધીને ૨૬,૦૦૦ની આસપાસ પહોંચી જશે. ૨૦૨૦નાં તોફાનો બાદ શહેરમાં આ સૌથી મોટી તહેનાતી છે. પ્રદર્શનકારીઓમાં મહિલાઓ મોટી સંખ્યામાં હોવાથી પાંચ ખાસ મહિલા કંપનીઓ પણ બોલાવવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈમાં વિરોધ-પ્રદર્શન કર્યા બાદ CJPએ શુક્રવારે ૧૦ ઑક્ટોબરે ‘દિલ્હી ચલો’નું એલાન આપ્યું છે. દિલ્હી પોલીસે પણ ૫૦૦૦ના સ્ટાફમાં વધારો કરીને ૧૫,૦૦૦ જવાનો તહેનાત કરવાની તૈયારીઓ કરી છે. સંભવિત હિંસા ટાળવા માટે પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બૉર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને વિરોધ કરનારાઓને રોડ પર બેસવા દેવામાં નહીં આવે એવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અટકાયત માટે હૉસ્પિટલ અને સ્ટેડિયમોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી પંચ સામે સતત ત્રીજા દિવસે વિપક્ષી નેતાઓનું વિરોધ-પ્રદર્શન

નવી દિલ્હીમાં ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) અને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધનનું વિરોધ-પ્રદર્શન સતત ત્રીજા દિવસે ગુરુવારે પણ ચાલુ રહ્યું હતું. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સંસદસભ્યોએ રાજઘાટ પહોંચીને ધરણાં પ્રદર્શન કર્યાં હતાં. બે કલાકનાં ધરણાં અને ગાંધી સ્મારક પર પ્રાર્થના કર્યા બાદ સાંજે નેતાઓ ત્યાંથી રવાના થયા હતા.
