દિવાળીમાં કર્મચારીઓને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા ઘણાં કૉર્પોરેટ્સે વર્ક ફ્રૉમ હોમ તથા ઑફ આપવાનું કર્યું શરૂ

ફાઈલ ફોટો
નવી દિલ્હીઃ કર્મચારીઓનો સમય બચાવવા અને તેમની પ્રોડક્ટિવિટી વધારવા માટે કંપનીઓ ફરીથી વર્ક ફ્રૉમ હોમના ઑપ્શનનો અમલ કરી રહી છે. બિઝી ફેસ્ટિવલ સીઝનમાં મેટ્રોસિટીમાં ટ્રાફિક ઘણો વધી જાય છે અને પરિણામે કર્મચારીઓનો સમય અને એનર્જી બચાવવા કંપનીઓ ફરીથી વર્ક ફ્રૉમ હોમ મોડ અપનાવી રહી છે.
દિવાળીના તહેવાર અને આગામી વર્ષના અંતની રજાઓ પહેલાં દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોરમાં ટ્રાફિક વધુ ખરાબ થઈ રહ્યો છે. મર્સિડીઝ-બેન્ઝ, મેરિકો, આરપીજી અને એબીબી ઇન્ડિયા જેવી કંપનીઓ ફ્લેક્સિબલ વર્ક ઑપ્શન ઑફર કરી રહી છે, જેમાં અમુક કંપનીઓ એવી પણ છે કે એ કર્મચારીઓને ટ્રાવેલિંગની માથાકૂટમાંથી બચાવવા માટે વીક ઑફ ન હોય તો પણ એનો લાભ આપી રહી છે.
ADVERTISEMENT
આરપીજીએ તો પહેલેથી જ એના સ્ટાફને ભારે ટ્રાફિકવાળા દિવસોમાં ઑફિસમાં આવવાનું ટાળવાની છૂટ આપી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે ‘તેઓ પાસે ફ્લેક્સિબલ કામના કલાકો છે, જેમાં મુખ્ય કામકાજના કલાકો સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધીનો છે. કંપની ટ્રાવેલિંગ પડકારનો સામનો કરી રહેલા કર્મચારીઓને જરૂરી સહાય પૂરી પાડવા માટે હાઇબ્રીડ (WFH) અને ફ્લેક્સિબલ વર્કિંગ મૉડલ બન્ને ઑફર કરી રહી છે.’
એમવે ઇન્ડિયાના એચઆરનાં વાઇસ-પ્રેસિડન્ટ રિતિકા મલિકે જણાવ્યું કે ‘લાંબા ટ્રાવેલિંગ કલાકોને કારણે કર્મચારીઓ પર આવતા સ્ટ્રેસને દૂર કરવા માટે એમવે ઇન્ડિયાએ ફ્લેક્સી કામના કલાકો અને હાઇબ્રીડ કામની વ્યવસ્થા જેવી પહેલ અમલમાં મૂકી છે. અમારા કર્મચારીઓને તેમના ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરવાની ફૅસિલિટી આપીએ છીએ જેથી તેઓ ઑફિસના સમય દરમ્યાન ટ્રાફિકની સમસ્યાને ટાળી શકે.’
પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા કામને કારણે છેલ્લાં બે અઠવાડિયાંમાં મુંબઈમાં સેંકડો લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી એને કારણે લોકોને ઑફિસ જવામાં ભારે અસુવિધા થઈ હતી અને રોડ પર ટ્રાફિક વધ્યો હતો. કન્ઝ્યુમર ગુડ્સ કંપની મેરિકોના ચીફ એચઆર ઑફિસર અમિત પ્રકાશે જણાવ્યું કે ‘જ્યારે કંપનીએ મહામારી પછી ઑફિસમાંથી ફરી પાછું કામ શરૂ કર્યું છે ત્યાર બાદ અમુક પૉલિસી ફેરફાર થયા છે એ મુજબ કર્મચારીઓને અમુક પર્સનલ કામ હોય તો તેઓ વર્ક ફ્રૉમ હોમ કરી શકે છે.’

