એટલું જ નહીં નોકરે, તિજોરીમાં રાખેલું ૩૦૦ ગ્રામ સોનું લઈને તે નાસી ગયો હ
પ્રતીકાત્મક તસવીર
દિવાળી નજીક આવતાં કર્મચારીઓને બોનસ મળવાની આશા હોય છે. ત્યારે ભુલેશ્વરમાં આવેલા દાગીનાના એક કારખાનાના માલિકે નોકરને બોનસ આપવાનો ઇનકાર કરતાં રોષે ભરાયેલા નોકરે ત્રણ મિત્રોને એકાએક સવારે કારખાના પર બોલાવીને માલિકની જોરદાર પિટાઈ કરી હતી. એટલું જ નહીં, તિજોરીમાં રાખેલું ૩૦૦ ગ્રામ સોનું લઈને તે નાસી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસે નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ભુલેશ્વરની અનંતવાડીમાં પાથરવાલા બિલ્ડિંગમાં જ્વેલરીનો વ્યવસાય કરતા ૩૧ વર્ષના ઉત્તમ પ્રજાપતિએ કરેલી ફરિયાદ અનુસાર તેની આભૂષણો તૈયાર કરવાની ફૅક્ટરી છે. છેલ્લાં ૧૦ વર્ષથી જેમ્સ અન્સારી આ ફૅક્ટરીમાં કામ કરે છે. ગઈ કાલે સવારે ઉત્તમ પ્રજાપતિ ફૅક્ટરીના કાઉન્ટર પર કામ કરી રહ્યો હતો એ સમયે જેમ્સ ત્રણ લોકો સાથે ફૅક્ટરીમાં આવ્યો હતો. ત્યાર બાદ પહેલાં તે અપશબ્દો બોલ્યો હતો અને પછી સાથે આવેલા લોકોને ફરિયાદીને માર મારવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, બે લોકોએ ફરિયાદીના હાથ બાંધીને તેને માર માર્યો હતો. ત્યાર બાદ જેમ્સ સેફ રૂમમાં ગયો હતો. ત્યાં તિજોરીમાં અંદાજે ૩૦૦ ગ્રામ વજનના સોનાના દાગીના રાખ્યા હતા. એ કાઢ્યા પછી સીસીટીવી કૅમેરાનું ડીવીઆર કાઢીને ત્યાં કાઉન્ટર પર રાખ્યું હતું અને સોનાના દાગીના લીધા બાદ જેમ્સ અને તેની સાથે આવેલા ત્રણ માણસો ત્યાંથી નાસી ગયા હતા. અંતે એક કલાક પછી બીજો નોકર આવતાં ફરિયાદીને ઇલાજ માટે હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ફરિયાદી હૉસ્પિટલમાં ઍડ્મિટ હોવાથી તેનું ડીટેલ સ્ટેટમેન્ટ લેવાનું હજી બાકી છે. પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદીએ આરોપીને બોનસ આપવાની ના પાડી હતી, જેને લીધે તે રોષે ભરાયો હતો.’

