કેન્દ્ર સરકારે કુલ છ રાજ્યોને કોરોનાના કેસ અટકાવવા માટે તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવા જણાવ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગઈ કાલે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણ, તામિલનાડુ, કેરલા અને કર્ણાટક એમ છ રાજ્યોને કોરોનાને લઈને અલર્ટ રહેવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આ રાજ્યોને કોરોનાના ફેલાવાને અટકાવવા માટે જોખમોની ઓળખ કરીને એને અનુરૂપ પગલાં લેવાં જણાવ્યું છે. લોકલ લેવલે આ વાઇરસ ફેલાય એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ રાજ્યોને લખેલા લેટરમાં જણાવ્યું હતું કે ‘કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ વધુ આવી રહ્યા છે, જે લોકલ લેવલે આ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું હોવાનો સંકેત છે.’
ભૂષણે આ રાજ્યોને માઇક્રો લેવલે આ સિચુએશનની સમીક્ષા કરવા તેમ જ આ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાં જણાવ્યું છે. તેમણે સાથે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે દેશના કેટલાક ભાગમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. ૮ માર્ચે પૂરા થતા અઠવાડિયામાં કુલ ૨૦૮૨ કેસ નોંધાયા હતા, જ્યારે ૧૫ માર્ચે પૂરા થતા અઠવાડિયામાં એ સંખ્યા વધીને ૩૨૬૪ થઈ છે.