ખેડૂત-આંદોલનમાં ચાલુ બસ સામે ઢાલ બનીને ઊભાં રહી ગયાં ACP મોનિકા શુક્લા
બસને હાથથી રોકીને ઊભેલાં ACP મોનિકા શુક્લા.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મંગળવારે-બુધવારે થયેલા ખેડૂત-આંદોલન દરમ્યાન મહિલા પોલીસ-અધિકારી ACP મોનિકા શુક્લાએ દર્શાવેલી અદમ્ય હિંમત અને સાહસનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. આંદોલનકારીઓ દ્વારા આગળ ધકેલાઈ રહેલી એક બસ સામે પોતાના જીવની પરવા કર્યા વિના ખડકની જેમ અડીખમ ઊભા રહીને તેમણે મોટો અકસ્માત ટાળ્યો હતો. તેમની આ નીડરતાને કારણે લોકો તેમને ભોપાલનાં લેડી સિંઘમ તરીકે બિરદાવી રહ્યા છે.
બુધવારે ખેડૂતો પોતાની વિવિધ માગણીઓને લઈને મુખ્ય પ્રધાનના બંગલા તરફ કૂચ કરી રહ્યા હતા. તેમને રોકવા માટે પોલીસે હોશંગાબાદ રોડ પર વીર સાવરકર સેતુ પાસે ડમ્પર અને સ્કૂલ-બસો મૂકીને બૅરિકેડિંગ કર્યું હતું. સાંજના સમયે સ્થિતિ વણસતાં ઉશ્કેરાયેલા ખેડૂતો બૅરિકેડ તરીકે મુકાયેલી એક સ્કૂલ-બસ પર ચડી ગયા હતા, જ્યારે કેટલાક લોકો નીચેથી બસને આગળ ધકેલવા લાગ્યા હતા. ડ્રાઇવર વગરની આ બસ ધીમે-ધીમે આગળ વધી રહી હતી.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતા સમજીને ટ્રાફિક અને ક્રાઇમ વિભાગનાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) મોનિકા શુક્લા તરત જ દોડી આવ્યાં હતાં અને બન્ને હાથ ફેલાવીને બસની આગળ ઊભાં રહી ગયાં હતાં. આંદોલનકારીઓ સતત ધક્કા મારતા હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર બન્ને હાથે જોર લગાવીને બસને રોકી રાખી હતી. તેમની આ હિંમત જોઈને અન્ય અસ્તવ્યસ્ત કૉન્સ્ટેબલો અને કેટલાક ખેડૂતો પણ તેમની મદદમાં આવ્યા હતા અને અંતે બસને થંભાવી દેવાઈ હતી. જો તેમણે એ સમયે આ સાહસ ન દાખવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
પોતાની આ કામગીરી અંગે પ્રતિક્રિયા આપતાં ACP મોનિકા શુક્લાએ કહ્યું હતું કે ‘શહેરમાં આંદોલનકારીઓને પ્રવેશતા રોકવા અને કાયદો-વ્યવસ્થા જાળવવી એ મારી ફરજ હતી. એ સમયે જે જરૂરી હતું એ જ મેં કર્યું છે. મને જરાય ડર નહોતો લાગ્યો.’
ભોપાલમાં ઉપદ્રવીઓ સામે અગાઉ પણ દર્શાવી ચૂક્યાં છે સાહસ
ACP મોનિકા શુક્લા પોલીસ વિભાગમાં પોતાના સાહસિક નિર્ણયો માટે જાણીતાં છે. આશરે એક દાયકા પહેલાં ભોપાલના કાઝી કૅમ્પ વિસ્તારમાં માર્ગ-અકસ્માત બાદ ભારે હિંસા ભડકી હતી. એ સમયે તેઓ એકલા જ સરકારી જીપ લઈને ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે પહોંચી ગયા હતા અને હવામાં ગોળીબાર કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
