ગલવાન ઘાટી નજીક આવેલાં દુર્લભ ગરમ પાણીનાં ઝરણાં ટૂરિસ્ટો માટે ખોલાશે, સૈનિકોની વીરતા અને શૌર્યને લોકો અનુભવી શકશે : ચીની સૈનિકો સામેના સંઘર્ષમાં શહીદી વહોરનારા જવાનોની સ્મૃતિમાં મ્યુઝિયમ પણ બનશે
લદ્દાખમાં બૅટલફીલ્ડ પર્યટન માટે તૈયાર થઈ જાઓ
લદ્દાખ હંમેશાંથી પોતાના કુદરતી વાતાવરણ અને ઐતિહાસિક ધરોહરને કારણે પ્રખ્યાત છે. જોકે હવે આ વિસ્તાર પર્યટનના નવા આયામો તરફ આગળ વધી રહ્યો છે. ૧૫ જૂનથી સહેલાણીઓ માટે ગલવાન ઘાટી નજીક આવેલાં ગરમ પાણીનાં ઝરણાંને ખુલ્લાં મૂકવા માટેની યોજના સરકાર બનાવી રહી છે. લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલની નજીક આવેલાં આ ગરમ પાણીનાં ઝરણાં હવે બૅટલફીલ્ડ ટૂરિઝમનો હિસ્સો બનવા જઈ રહ્યાં છે. આ પહેલ ભારતીય સૈનિકોની વીરતાને સન્માન આપવાની સાથે-સાથે પર્યટનને ઉત્તેજન આપવા માટેના ઉદ્દેશ સાથે કરવામાં આવી રહી છે.
પૂર્વીય લદ્દાખનાં ગરમ પાણીનાં ઝરણાં પહેલી વાર સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવી રહ્યાં છે. ૧૫ જૂન ખૂબ જ મહત્ત્વનો દિવસ એટલા માટે પણ છે કારણ કે ગલવાનમાં ચીની સૈનિકો સાથે આ દિવસે ઘર્ષણ થયું હતું, જેમાં ૨૦ ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપતાં શહીદી વહોરી હતી અને ૪૨ કરતાં વધારે ચીની સૈનિકોનાં પણ મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અહીં સ્થાનિક લોકોને પ્રવેશવાની પણ પરવાનગી નહોતી. જોકે હવે સરકાર આ ક્ષેત્રનું પર્યટન વિકસાવવા માગે છે. એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા આ નિર્ણયને મંજૂરી મળી છે. લદ્દાખ તંત્ર હવે આ સ્થળને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી કરવામાં લાગી ગયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ બે મુખ્ય પર્યટન કેન્દ્ર વિકસિત કરવામાં આવી રહ્યાં છે. પહેલું કેન્દ્ર દુર્બુકથી પાંચ કિલોમીટર અંતરે બનશે જ્યાં એક કૅફેટેરિયા, સ્મારિકા દુકાન અને લગભગ ત્રીસ લોકોને રહેવાની સુવિધા હશે. બીજું કેન્દ્ર દુર્બુકથી ૧૨ કિલોમીટર આગળ વિકસિત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ઉપરાંત ૨૦૨૦ની ઘટનાની યાદમાં ગલવાન ઘાટીમાં એક સંગ્રહાલય પણ બનાવવામાં આવી રહ્યું છે. અહીં પર્યટકો આ વિસ્તારનો ઇતિહાસ અને ભારતીય સૈનિકોના બલિદાનની માહિતી પ્રાપ્ત કરી શકશે. આ પગલું લદ્દાખમાં પર્યટનને નવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરશે, જેને કારણે પૅન્ગૉન્ગ તળાવ જેવાં અન્ય પ્રસિદ્ધ સ્થળોની સાથે-સાથે આ વિસ્તાર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગ્રામીણ પર્યટનને ઉત્તેજન
આ યોજનાને કારણે સ્થાનિક લોકોને આર્થિક લાભ મળશે અને ગ્રામીણ પર્યટનને પણ ઉત્તેજન મળશે. યુદ્ધસ્મારકોથી માંડીને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પર્યટન લદ્દાખના પર્યટન ઉદ્યોગને મજબૂત કરશે. જોકે આ વિસ્તાર ઊંચાઈ પર અને સંવેદનશીલ છે એટલે પર્યટકોએ કડક સુરક્ષા-નિર્દેશોનું પાલન કરવું પડશે. સેનાના એકમો પાસેથી પરવાનગી અને સુરક્ષાવ્યવસ્થા માટે સમન્વય જરૂરી રહેશે. ભારતીય સેના ઐતિહાસિક યુદ્ધ-સ્થળોને પર્યટન માટે વિકસાવી રહી છે જેથી સામાન્ય નાગરિકો એને જોઈને સૈનિકોની વીરતાનો અનુભવ કરી શકે. ગલવાન અને ગરમ પાણીનાં ઝરણાં પર્યટકો માટે ખોલવાં એ એક અનોખી યાત્રાનો અનુભવ તો હશે જ, સાથે નાગરિકોમાં સેના પ્રત્યે સન્માન અને દેશભાવનાની લાગણી પણ બળવત્તર બનશે.

