° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


ગુજરાત સહિત પાંચ રાજ્ય અને ૧૦ સાઇટ્સ : અંતે થઈ કુનોની પસંદગી

18 September, 2022 09:03 AM IST | Gwalior
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાને તેમના જન્મદિવસે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં ત્રણ ચિત્તાઓને છોડ્યા, ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા

તસવીર સૌજન્ય : એ.એફ.પી./પી.ટી.આઇ.

તસવીર સૌજન્ય : એ.એફ.પી./પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના જન્મદિવસે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં ત્રણ ચિત્તાઓને છોડ્યા હતા. દેશમાં ચિત્તાઓ નામશેષ જાહેર થયાને સાત દશક બાદ ભારતમાં ફરી એમને વસાવવાના પ્રયાસોના ભાગરૂપે ગઈ કાલે નામિબિયાથી આઠ ચિત્તાને ભારત લાવવામાં આવ્યા હતા.

સવારે ૭.૪૭ વાગ્યે ગ્વાલિયર ઍરબેઝ ખાતે મોડિફાય કરેલું બોઇન્ગ ૭૪૭ પ્લેન લૅન્ડ થયા બાદ આ ચિત્તાઓને ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટર્સમાં આ પાર્ક પાસે આવેલા પલપુરમાં લાવવામાં આવ્યા હતા.

પાર્કમાં વડા પ્રધાન માટે દસ ફૂટ ઊંચો મંચ બનાવવામાં આવ્યો હતો. આ મંચની નીચે જ પાંજરામાં ચિત્તા હતા. વડા પ્રધાને લિવર દ્વારા બૉક્સ ખોલ્યું અને ચિત્તા બહાર આવ્યા હતા. અજાણી જગ્યાએ આવીને ચિત્તા સહેજ અસહજ અનુભવતા હતા. આસપાસ નજર કરીને હરવા-ફરવા લાગ્યા હતા. ચિત્તા પાંજરામાંથી બહાર આવતાં જ વડા પ્રધાને તાળી પાડીને એમનું સ્વાગત કર્યું હતું.

ફેડોરા હૅટ પહેરીને વડા પ્રધાન પ્રોફેશનલ કૅમેરાથી ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા. વડા પ્રધાનની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ તેમ જ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા.

આ ચિત્તાઓને લઈને પ્લેન ગ્વાલિયરમાં લૅન્ડ થયું એ પછી આ પ્રોજેક્ટની સાથે જોડાયેલા કર્મચારીઓ મોટા બૉક્સમાં રહેલા ચિત્તાઓને લઈ જતા જોવા મળ્યા હતા.

આ પ્લેન શુક્રવારે રાત્રે આફ્રિકન દેશમાંથી રવાના થયું હતું. ચિત્તાઓને લાકડાના સ્પેશ્યલ બૉક્સમાં રાખવામાં આવ્યા હતા. આ કુલ દસ કલાકનો પ્રવાસ હતો. અહીં ચિત્તાઓનું રૂટીન ચેક-અપ પણ કરવામાં આવ્યું હતું.

નામિબિયાથી લાવવામાં આવેલા આ આઠ ચિત્તામાં એક માદા અને બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે. આ બે ભાઈઓ એક ટીમ તરીકે સાથે શિકાર કરે છે.

મધ્ય પ્રદેશનું કુનો નૅશનલ પાર્ક હવે આઠ આફ્રિકન ચિત્તાનું નવું ઘર બન્યું છે. માનવ વસાહત વિનાનો આ એરિયા કોરિયાના સાલનાં જંગલોથી ખૂબ નજીક છે, જે અત્યારે છત્તીસગઢમાં આવેલાં છે. વાસ્તવમાં સાલનાં આ જંગલોમાં જ છેલ્લે લગભગ ૭૦ વર્ષ પહેલાં એશિયાટિક ચિત્તા કદાચ જોવા મળ્યા હતા.

ઊંચાણવાળાં સ્થળો, દરિયાકાંઠા તેમ જ પૂર્વોત્તર પ્રદેશને બાદ કરતાં ભારતનો મોટા ભાગનો વિસ્તાર ચિત્તાના રહેવા માટે યોગ્ય હોવાનું માનવામાં આવે છે.

૨૦૧૦થી ૨૦૧૨ દરમ્યાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દસ સાઇટ્સનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જણાયું હતું કે કુનો સાઇટ સૌથી યોગ્ય છે. હવામાનમાં ફેરફારો, ચિત્તા શિકાર કરી શકે એવાં પ્રાણીઓની સંખ્યા, હરીફ શિકારીઓની વસ્તી અને ઐતિહાસિક રૅન્જ જેવાં પરિબળોના આધારે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે કુનો સૌથી યોગ્ય સાઇટ જણાઈ હતી.

ચિત્તાઓ અને માણસો વચ્ચેના ઘર્ષણની શક્યતાઓ સાવ ઓછી છે, કેમ કે ચિત્તા સામાન્ય રીતે માણસોનો શિકાર કરતા નથી કે પશુઓના મોટા ઝુંડ પર પણ હુમલો કરતા નથી.

કુનો નૅશનલ પાર્કમાં આ પહેલાં લગભગ ૨૪ ગામ હતાં, જ્યાંના લોકોને બીજી જગ્યાઓએ શિફ્ટ કરવામાં આવ્યા છે.

સરકારી ડેટા અનુસાર આ નૅશનલ પાર્કમાં હાલ ઓછામાં ઓછા ૨૧ ચિત્તાઓને વસાવી શકાય છે. જો જરૂરી પગલાં લેવાય અને ચિત્તાઓના શિકાર માટે પૂરતાં પ્રાણીઓની વ્યવસ્થા કરવામાં આવે તો અહીં ૩૬ ચિત્તા પણ રહી શકે છે.

જુલાઈ ૨૦૨૦માં ​ભારત અને નામિબિયાની વચ્ચે ચિત્તાઓની જાળવણીને લઈને સમજૂતી-કરાર થયા હતા. ભારતના પ્રોજેક્ટ ચિત્તાને લૉન્ચ કરવા માટે નામિબિયા આઠ ચિત્તાને દાનમાં આપવા સંમત થયું હતું.  

નામિબિયાથી ફ્લાઇટ પહેલાં ચિત્તાઓને ઊંઘનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ચિત્તાઓની હેલ્થ, શિકાર કરવાની કુશળતા, જિનેટિક્સમાં યોગદાન આપવાની ક્ષમતાના આધારે પસંદગી કરવામાં આવી હતી. 

ચિત્તા વિશે જાણવા જેવી વાતો

  • ચિત્તા પ્રજાતિનું સાયન્ટિફિક નામ અસિનોનિક્સ જુબાટસ છે.
  • એશિયામાં ચિત્તા ભારત, મધ્યપૂર્વ અને મધ્ય એશિયામાં જોવા મળતા હતા. જોકે હવે માત્ર ઈરાનમાં બહુ થોડા બચ્યા છે.
  • ભારતમાં એક સમયે એશિયાટિક ચિત્તા જોવા મળતા હતા. જોકે મોટા પ્રમાણમાં એનો શિકાર કરવામાં આવતો હતો.
  • ૧૯૫૨માં આ પ્રાણી લુપ્ત થયું હોવાનું ઑફિશ્યલી જાહેર કરવામાં આવ્યું હતું.
  • પહેલી વખત કોઈ મોટા માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવ્યું છે.
  • દરેક ચિત્તા માટે વૉલન્ટિયર્સની એક ટીમ રહેશે, જે એને મૉનિટર કરશે.
  • ચિત્તાની જિયોલોકેશન અપડેટ્સ માટે દરેક ચિત્તાને સૅટે​લાઇટ રેડિયો કૉલર્સ પહેરાવવામાં આવ્યા છે.
  • ચિત્તા સામાન્ય રીતે ઘર્ષણને અવૉઇડ કરે છે, કુનો પાર્કમાં નોંધપાત્ર સંખ્યામાં દીપડા છે, જે ચિત્તાનાં બચ્ચાંનો શિકાર કરી શકે છે. એવી પણ શક્યતા છે કે ચિત્તા બાઉન્ડરીની બહાર જતા રહે અને લોકો કે અન્ય પ્રાણીઓના હાથે એમની હત્યા થઈ જાય. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભય ખોટો છે. આ સાઇટનું પૂરેપૂરું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

80થી 128
આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ પ્રાણી એની હાઈ સ્પીડ માટે જાણીતું છે.

21થી 72
આટલા કિલો વજન હોય છે. ઓછા વજનના કારણે જ ચિત્તા ઝડપથી દોડી શકે છે. 

85
આટલા લાખ વર્ષ જૂની પ્રજાતિ છે, જે એક સમયે સમગ્ર એશિયા અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં હતી.

7000
આજે આટલા જ ચિત્તા બચ્યા છે, જે મુખ્યત્વે આફ્રિકાના મેદાની વિસ્તારોમાં છે.

289
આટલા ચોરસ માઇલ એરિયામાં કુનો નૅશનલ પાર્ક ફેલાયો છે. ૧૯૮૧માં સ્થાપવામાં આવ્યો હતો. 

14
આટલા વર્ષ સરેરાશ આયુષ્ય જંગલમાં હોય છે જ્યારે સૅન્ક્ચ્યુઅરી સરેરાશ આયુષ્ય ૨૦ વર્ષ. 

18 September, 2022 09:03 AM IST | Gwalior | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સોનિયા ગાંધીને મળ્યા અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે, જાણો વિગત

નોંધપાત્ર વાત એ છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી

26 September, 2022 08:17 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી, આપ્યું આ નામ

ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું

26 September, 2022 06:04 IST | Jammu | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગુજરાતથી દિલ્હી પહોંચ્યા સફાઇકર્મચારી હર્ષ સોલંકી અને પરિવાર,CM સાથે કર્યું લન્ચ

ગુજરાતના સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પોતાના પરિવારના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે મુલાકાત કરવા તેના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાર દિલ્હી સીએમએ તેમના પરિવાર સાથે લન્ચ કર્યું.

26 September, 2022 06:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK