સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તપાસકર્તાઓએ તેની સાઇકો ઍનલિટિક ટેસ્ટ કરી હતી
CCTV કૅમેરાનાં ફુટેજ
કલકત્તામાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના કેસમાં પકડાયેલા કલકત્તા પોલીસના સિવિક વૉલન્ટિયર સંજૉય રૉયને તેણે આચરેલા ગુના માટે કોઈ પસ્તાવો નથી. હૉસ્પિટલના CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાના ફુટેજમાં ઘટનાના આગલા દિવસે તે પીડિતા અને અન્ય ડૉક્ટરોને ઘૂરી-ઘૂરીને જોઈ રહેલો દેખાયો હતો. CCTV ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે તે ૮ ઑગસ્ટે સવારે હૉસ્પિટલના ચેસ્ટ-મેડિસિન વિભાગમાં પીડિતા અને અન્ય ચાર જુનિયર ડૉક્ટરોને ઘૂરી-ઘૂરીને જોઈ રહ્યો હતો.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તપાસકર્તાઓએ તેની સાઇકો ઍનલિટિક ટેસ્ટ કરી હતી. એમાં જણાયું છે કે તે પૉર્ન ફિલ્મો જોવાનો ઍડિક્ટ છે. તે દેખાવમાં સાધારણ લાગે છે, પણ એવો નથી. આ ગુના માટે તેને કોઈ પસ્તાવો નથી. ટેસ્ટ આપતી વખતે તે જરા પણ નર્વસ થયો નહોતો. CBIની ટીમને તેણે આ ઘટનાની રજેરજની વિગતો આપી હતી અને વચ્ચે ક્યાંય પણ અટક્યો નહોતો કે તેને કોઈ વાતે પસ્તાવો હોવાનું તપાસકર્તાઓને જણાયું હતું.
ADVERTISEMENT
હૉસ્ટેલ ખાલી : ૧૬૦ની જગ્યાએ માત્ર ૧૭
કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલની ઘટના બાદ જુનિયર ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફમાં ભારે અસલામતીની ચિંતા છે અને હૉસ્ટેલ ખાલી થઈ ગઈ છે. જ્યાં એક સમયે ૧૬૦ મહિલા જુનિયર ડૉક્ટર અને નર્સો રહેતી હતી ત્યાં હવે માંડ ૧૭ જણનો સ્ટાફ રહે છે. જુનિયર ડૉક્ટરોના પરિવારજનોએ તેમને ઘરે બોલાવી લીધા છે.


