પોલીસના દાવા મુજબ તેણે ચિક્કાર દારૂ પીધો હતો અને પછી એક પછી એક એમ બે જગ્યાએ તે ગયો હતો.
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને મર્ડરના આરોપી સંજય રૉયે ઘટનાની રાતે આઠમી ઑગસ્ટે કલકત્તાના રેડલાઇટ વિસ્તાર સોનાગાછીમાં રૂપજીવિનીઓના બે અડ્ડાની મુલાકાત લીધી હોવાનો પોલીસે દાવો કર્યો હતો. પોલીસના દાવા મુજબ તેણે ચિક્કાર દારૂ પીધો હતો અને પછી એક પછી એક એમ બે જગ્યાએ તે ગયો હતો. મધરાત બાદ તે હૉસ્પિટલમાં આવ્યો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં તે સેમિનાર હૉલમાં જતો અને આવતો દેખાયા બાદ આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરે છે અને એણે ગઈ કાલે કલકત્તા સિટી પોલીસ વેલ્ફેર બોર્ડના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અનુપ દત્તાની સતત બીજા દિવસે પૂછપરછ કરી હતી. તે આરોપી સાથે સારો સંબંધ ધરાવે છે અને તેના સંરક્ષણમાં તે હૉસ્પિટલમાં આસાનીથી ફરી શકતો હતો. અનુપ દત્તા અને સંજય રૉયના સાથે ઊભા હોય એવા ઘણા ફોટોગ્રાફ CBIને મળ્યા છે.
કલકત્તાની હૉસ્પિટલમાં હવે CISFની સિક્યૉરિટી
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં હવે CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ)ની સિક્યૉરિટી લગાવી દેવામાં આવી છે. CISFના જવાનો હૉસ્પિટલના પરિસરમાં ગોઠવાઈ ગયા છે. આ પૅરામિલિટરી ફોર્સ ઍરપોર્ટ અને સંસદભવન જેવાં મહત્ત્વનાં સ્થળોની સુરક્ષા કરે છે. ૧૪ ઑગસ્ટની રાતે હૉસ્પિટલ પર ૭૦૦૦ લોકોએ કરેલા હુમલા બાદ કોર્ટે હૉસ્પિટલની સુરક્ષા-વ્યવસ્થા સઘન બનાવવાનો આદેશ આપ્યો હોવાથી CISFને તહેનાત કરવામાં આવી છે.


