હિમાચલ પ્રદેશની આ સુંદર ટૂરિસ્ટ પ્લેસના આવા હાલ જોઈને લોકો ખફા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હિમાચલ પ્રદેશની ખૂબસૂરત ટૂરિસ્ટ પ્લેસ કસોલના જંગલમાં કચરાના ઢગલા દર્શાવતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકની બૉટલો, વેફર અને બિસ્કિટનાં રૅપર, ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓનો મોટો જથ્થો જોઈ શકાય છે. આ દૃશ્યને વિડિયો તૈયાર કરનારે ઘૃણાસ્પદ ગણાવીને સરકારી અધિકારીઓને શક્ય એટલી વહેલી તકે કાર્યવાહી કરવા અને વિસ્તારને સાફ કરવા વિનંતી કરી હતી. કચરો ભરેલા વિસ્તાર તરફ કૅમેરા ફેરવીને આ વ્યક્તિ કહે છે કે ખૂબ જ ગંદી વાસ આવે છે, પહેલાં કેવું હતું અને હવે કેવું થઈ ગયું છે.
આ વિડિયો શૅર થયા પછી હજારો લોકોએ જોયો છે. કેટલાકે આ માટે સરકાર અને પ્રશાસનને જવાબદાર ઠરાવ્યાં છે, જ્યારે કેટલાકે પ્રવાસીઓમાં સમજણનો અભાવ કારણભૂત ગણાવ્યો છે. એક યુઝરે તો ગુસ્સામાં લખ્યું હતું કે કસોલ સુધરાઈના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, તેમણે સ્વર્ગને નરકમાં ફેરવી દીધું છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘હિમાચલમાં એન્ટ્રી વખતે પ્રકૃતિ-સંરક્ષણના નામે ગ્રીન-ટૅક્સ વસૂલ કરવામાં આવે છે, ટૅક્સનાં નાણાંનો સરકાર આવી રીતે વહીવટ કરે છે. અમે સરકાર અને કસોલ સુધરાઈને વિનંતી કરીએ છીએ કે તેઓ આ મુદ્દે ધ્યાન આપે. જો તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો ચોમાસામાં આ ખતરનાક કચરો આપણી નદીઓમાં વહેશે.’


