નવા બ્લડ ગ્રુપને CRIB નામ આપવામાં આવ્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના કોલારની ૩૮ વર્ષની મહિલામાં અગાઉ પહેલાં ક્યારેય ન જોવા મળેલું બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. આ મહિલાના લોહીમાં ક્રોમર (CR) બ્લડ ગ્રુપ સિસ્ટમમાં પહેલાં ક્યારેય જોવા નહીં મળેલું બ્લડ ગ્રુપ ઍન્ટિજન છે જેને CRIB (ક્રોમર ઇન્ડિયા, બૅન્ગલોર) નામ આપવામાં આવ્યું છે.
પોતાનું બ્લડ ગ્રુપ O+ હોવાનું જણાવતી આ મહિલાને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી તેનું બ્લડ ઉપલબ્ધ બ્લડ યુનિટો સાથે કે ઘરના સભ્યોના બ્લડ સાથે પણ એ મૅચ થતું નહોતું. ત્યાર બાદ ડૉક્ટરોએ લોહીના નમૂનાઓ યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં આવેલી ઇન્ટરનૅશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લૅબોરેટરી (IBGRL)માં મોકલ્યા હતા. મોલેક્યુલર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ૧૦ મહિનાના ઊંડા પરીક્ષણ પછી લૅબોરેટરીએ પુષ્ટિ કરી હતી કે આ મહિલાના લોહીમાં એક નવું ઍન્ટિજન છે જે હવે સત્તાવાર રીતે ક્રોમર (CR) બ્લડ ગ્રુપ સિસ્ટમના ભાગરૂપે માન્ય છે. તેમણે આ નવા ઍન્ટિજનનું નામ CRIB (ક્રોમર માટે CR અને ઇન્ડિયા અને બૅન્ગલોર માટે IB) નામ રાખ્યું હતું.


