સમગ્ર વિશ્વમાં વધી રહી છે ડિમાન્ડ : અમેરિકાના H-1Bમાં ભારત ટોચ પર, જ્યારે ઑસ્ટ્રેલિયામાં થયો ભારતીયોની ભરતીમાં ૭૨૪ ટકાનો રેકૉર્ડબ્રેક ઉછાળો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક સ્તરે કુશળ વ્યાવસાયિકો પૂરા પાડવામાં ભારત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. વર્કફોર્સ મૅનેજમેન્ટ સર્વિસિસ ફર્મ ડીલના હાલના અહેવાલ અનુસાર અમેરિકાના H-1B વીઝા-પ્રોગ્રામમાં ભારત સૌથી મોટો સોર્સ દેશ છે, જ્યારે બ્રિટનના સ્કિલ્ડ વર્કર વીઝા અને યુરોપિયન યુનિયનના બ્લુ કાર્ડ કાર્યક્રમમાં ભારત બીજા સ્થાને છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ટૅલન્ટની અછતને કારણે કંપનીઓ હવે ખર્ચ ઘટાડવાને બદલે ભારતીય પ્રતિભાઓને આકર્ષવા સ્થાનિક કર્મચારીઓ કરતાં પણ વધુ વેતન આપી રહી છે.
ભારતીય પ્રોફેશનલ્સની ભરતીમાં સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ ઑસ્ટ્રેલિયામાં (૭૨૪ ટકા) નોંધાઈ છે. ત્યાર બાદ બ્રિટનમાં ૧૪૨ ટકા અને અમેરિકામાં ૧૩૯ ટકાનો વધારો થયો છે. આ સિવાય જર્મનીની ‘ઑપોર્ચ્યુનિટી કાર્ડ’ યોજના હેઠળ ઇશ્યુ કરાયેલી કુલ પરમિટમાંથી આશરે ત્રીજા ભાગની પરમિટ એકલા ભારતીયોને મળી છે. ખાસ કરીને એન્જિનિયરિંગ, સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ભારતીય ટૅલન્ટની વૈશ્વિક ડિમાન્ડ ખૂબ વધારે છે.
ADVERTISEMENT
સ્થાનિકો કરતાં વધુ આકર્ષક વાર્ષિક પૅકેજ
અમેરિકા : H-1B વીઝાધારક ભારતીયોનું સરેરાશ વેતન ૧.૪૦ લાખ ડૉલર છે, જ્યારે અમેરિકી નાગરિકોનું ૧.૩૦ લાખ ડૉલર છે.
બ્રિટન : ભારતીય સ્કિલ્ડ વર્કર્સની સરેરાશ આવક ૯૬,૦૦૦ પાઉન્ડ છે, જ્યારે સ્થાનિકોની ૮૭,૦૦૦ પાઉન્ડ છે.
UAE : UAEના ગોલ્ડન વીઝાધારકોની સરેરાશ આવક ૬.૦૫ લાખ દિરહામ છે. નોંધનીય છે કે UAEની કુલ વસ્તીમાં ભારતીયોનો હિસ્સો આશરે ૩૮ ટકા જેટલો છે.
