અમેરિકાના વૉશિંગ્ટનનાં જંગલોમાં આગ, ૨.૫૦ લાખ એકર જમીન બળીને ખાક, ૬૦,૦૦૦ ઘરોમાં વીજપુરવઠો ખંડિત
આગ
અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યમાં જંગલની આગ ૨,૫૦,૦૦૦ એકરથી વધુ જમીનમાં ફેલાઈ ગઈ છે, જેને કારણે ઘણા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને આશરે ૬૦,૦૦૦ વીજગ્રાહકોને અસર થઈ છે. ગરમ તથા શુષ્ક હવામાન અને ભારે પવનોને કારણે આગ ઝડપથી ફેલાઈ છે જેનાથી ઘરો, માળખાગત સુવિધાઓ અને આસપાસનાં જંગલો જોખમમાં મુકાયાં છે.
વૉશિંગ્ટનના ગવર્નર બૉબ ફર્ગ્યુસને રાજ્યવ્યાપી કટોકટી જાહેર કરી છે, જેમાં આગ સળગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વૉશિંગ્ટન રાજ્યમાં લગભગ ૬૦,૦૦૦ ઘરોમાં વીજપુરવઠો ખંડિત કરવામાં આવ્યો છે. રાજ્યમાં એક ડઝનથી વધુ જંગલી આગને કાબૂમાં લેવા માટે લગભગ ૪૦૦૦ ફાયર-ફાઇટરો તહેનાત કરવામાં આવ્યા છે.
સ્પોકેનમાં વધતો આગનો ભય
સ્પોકેન શહેર નજીક લાગેલી આગ લગભગ ૩૦૦૦ એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ આગથી લગભગ ૪૦૦૦ મકાનો જોખમમાં છે. લગભગ ૨.૩ લાખની વસ્તી ધરાવતું સ્પોકેન સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. સ્પોકેનમાં લગભગ ૨૦૦ ઘરો ખાલી કરાવવામાં આવ્યાં છે. સ્પોકેનમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
