અમેરિકાની બહારનું સૌથી મોટું AI હબ બનશે વિશાખાપટનમમાં
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય માહિતી અને પ્રસાર ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ, ગૂગલ ક્લાઉડના CEO થૉમસ કુરિયન અને અન્ય લોકોએ ગઈ કાલે વિશાખાપટનમમાં ગૂગલના AI હબ માટેનો MoU સાઇન કર્યા પછી સેલ્ફી લીધો હતો.
દુનિયાની દિગ્ગજ ટેક્નૉલૉજી કંપની ગૂગલે ભારત પર મોટો દાવ લગાવ્યો છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. તેમની વાતચીત દરમ્યાન સુંદર પિચાઈએ કહ્યું હતું કે ગૂગલ આવનારાં પાંચ વર્ષમાં ભારતમાં ૧૫ અબજ ડૉલર એટલે કે લગભગ ૧.૩૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
આંધ્ર પ્રદેશમાં જે AI સેન્ટર હશે એ અમેરિકાની બહારનું ગૂગલનું સૌથી મોટું AI હબ હશે. ગૂગલ અને આંધ્ર પ્રદેશ સરકાર વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા પછી તરત જ ભારતીય મૂળના CEO સુંદર પિચાઈએ આ સમાચાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.


