ભારત સરકારે પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના પ્રવાહને રોકવાનો નિર્ણય લીધો છે. એના માટે સિંધુ બેસિન નદીઓના કિનારે ડૅમની ક્ષમતા વધારવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં ભયંકર આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક બાદ એક આકરાં પગલાં લઈ રહ્યું છે. આતંકવાદીઓને આશરો આપનારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં ભારતે ૧૯૬૦ના સિંધુ જળકરાર પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. હવે ભારત સરકારે પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના પ્રવાહને રોકવાનો નિર્ણય લીધો છે. એના માટે સિંધુ બેસિન નદીઓના કિનારે ડૅમની ક્ષમતા વધારવામાં આવશે, જેમાં વધુમાં વધુ પાણી રોકવાની ક્ષમતા હશે. એને લાગુ કરવા માટે ત્રણ તબક્કામાં પ્લાન બનાવવામાં આવ્યો છે.
જળશક્તિપ્રધાન સી. આર. પાટીલે જણાવ્યું હતું કે ‘સિંધુ જળકરાર પર રોકનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. જોકે હવે એને ત્રણ તબક્કા તાત્કાલિક, મિડ ટર્મ અને લૉન્ગ ટર્મમાં લાગુ કરી શકાશે. ભારતથી પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ ન જાય એની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.’

