૬૦૦ જેટલાં મોત, ૫૦,૦૦૦થી પણ વધારે લોકો ગુમ, સમગ્ર વિશ્વમાંથી રાહતસામગ્રી અને બચાવ તથા રેસ્ક્યુ ટીમો વેનેઝુએલા પહોંચવા લાગી
વિદેશપ્રધાન એસ. જયશંકર દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે ભારત તરફથી વેનેઝુએલાને રાહતસામગ્રી, દવાઓ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને ફીલ્ડ હાૅસ્પિટલ યુનિટ મોકલવામાં આવ્યાં હતાં.
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ભારતે ભૂકંપ પ્રભાવિત દેશને તાત્કાલિક તબીબી અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે સત્તાવાર રીતે ‘ઑપરેશન અમિસ્તાદ’ (Operation Amistad) શરૂ કર્યું છે. આ ઑપરેશન હેઠળ ભારતીય વાયુસેનાનાં બે વિશાળકાય C-17 ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાનો તાકીદની રાહતસામગ્રી લઈને વેનેઝુએલા જવા રવાના થયાં હતાં.
વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ‘ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકોના પડખે ઊભા રહેવા પ્રતિબદ્ધ છે. ભારત દ્વારા વિશેષ સહાયની પહેલી ખેપ રવાના થઈ ચૂકી છે. જરૂર પડ્યે હજી પણ ત્યાંની સ્થિતિ જાણ્યા બાદ જરૂરી સામગ્રીની વધારે ખેપો રવાના કરવામાં આવશે.’
ADVERTISEMENT
ભૂકંપને કારણે વેનેઝુએલામાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે ત્યારે ભારતની આ ત્વરિત અને આધુનિક તબીબી સહાય ત્યાં ચાલી રહેલાં રાહતકાર્યોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ભારતીય સહાય
સેનાની ફીલ્ડ હૉસ્પિટલ : આપત્તિના સ્થળે તબીબી સારવાર આપવા માટે ઝડપથી ઊભી કરી શકાય એવી ભારતીય સેનાનું એક આખું ‘ફીલ્ડ હૉસ્પિટલ યુનિટ’ મોકલવામાં આવ્યું છે.
૩૫ ટન રાહતસામગ્રી : ઘાયલોની સારવાર માટે કટોકટીના સમયમાં વપરાતી દવાઓ, તબીબી ઉપકરણો અને અન્ય જરૂરી માનવતાવાદી રાહત સામગ્રીનો મોટો જથ્થો રવાના કરવામાં આવ્યો છે.
ભીષ્મ ક્યુબ્સ : આ મિશનમાં ખાસ કરીને બે અત્યાધુનિક ‘ભીષ્મ ક્યુબ્સ’ મોકલવામાં આવ્યા છે, જે આપત્તિના સમયમાં ગમે એવા કપરા સંજોગોમાં પણ ખૂબ જ ઝડપથી ઇમર્જન્સી મેડિકલ સપોર્ટ પૂરો પાડવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
શું છે Amistadનો અર્થ?
અમિસ્તાદ સ્પૅનિશ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ મિત્રતા થાય છે.

વેનેઝુએલામાં ૬૦૦નાં મોત, ૫૦,૦૦૦ ગુમ
વેનેઝુએલામાં આવેલા ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને ૬૦૦ થઈ ગયો છે, જ્યારે ૨૯૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. કાર્યવાહક પ્રમુખ ડેલ્સી રૉડ્રિગ્ઝના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સર્ચ-ઍન્ડ-રેસ્ક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે. આ કુદરતી આપત્તિથી અંદાજે ૬૭ લાખ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.
આ કપરા સમયમાં આંતરરાષ્ટ્રીય મદદ વચ્ચે અમેરિકાએ ૧૫૦ મિલ્યન ડૉલરની સહાય સાથે યુદ્ધજહાજો અને હેલિકૉપ્ટર મોકલ્યાં છે; જ્યારે સ્પેન, ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોએ પણ બચાવટીમો રવાના કરી છે.
