આપણે દિવસમાં ૨૧,૦૦૦ વાર શ્વાસ લઈએ છીએ ત્યારે નુકસાનનું અનુમાન લગાવવાનું કહીને હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો સવાલ
દિલ્હી
રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ છે એવા સમયે ઍર-પ્યુરિફાયરને મેડિકલ ઇક્વિપમેન્ટ જાહેર કરવા અને એની ખરીદીને કરમુક્ત કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને અણિયાળા સવાલો કર્યા હતા. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે જણાવ્યું હતું કે ‘શહેર ગંભીર વાયુ પ્રદૂષણથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ઍર-પ્યુરિફાયર લક્ઝરી વસ્તુ ન ગણી શકાય. આખા શહેરને શુદ્ધ હવા પ્રદાન કરવામાં તમે નિષ્ફળ ગયા છો. આપણે દિવસમાં ૨૧,૦૦૦ વખત શ્વાસ લઈએ છીએ અને તેથી આપણે ફેફસાંને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ એની ગણતરી કરો. આવા સમયે આપણે ઍર-પ્યુરિફાયર પરનો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કેમ ન ઘટાડી શકીએ?’
જ્યારે સરકાર વતી ઉપસ્થિત રહેલા વકીલે જવાબ આપવા માટે સમય માગ્યો ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘યોગ્ય સમય શું હોઈ શકે, જ્યારે હજારો લોકો મરી જશે? આ શહેરના લોકોને શુદ્ધ હવાની જરૂર છે અને એ તમે પણ જોઈ રહ્યા છો ત્યારે કમ સે કમ ઍર-પ્યુરિફાયર તેમની પહોંચમાં હોય એટલું કરો.’
ADVERTISEMENT
જો ઍર-પ્યુરિફાયરને મેડિકલ ઇક્વિપમેન્ટ ગણવામાં આવે તો એના પર માત્ર પાંચ ટકા ટૅક્સ લાગે છે. કોર્ટે કહ્યું કે ‘પ્રદૂષણની પરિસ્થિતિને જોતાં ઍર-પ્યુરિફાયર સ્વચ્છ હવાનો એકમાત્ર સ્રોત છે તેથી ઓછામાં ઓછું તમે એને GSTમાંથી મુક્તિ આપી શકો છો. જો આ પગલું કામચલાઉ હોય તો પણ એને આગામી અઠવાડિયા કે મહિના માટે મુક્તિ આપો. આને કટોકટી ગણો અને ફક્ત કામચલાઉ નિર્ણયો લો. હવે અમને કહો કે GST કાઉન્સિલ ક્યારે મળશે અને તમે ક્યારે સૂચનાઓ સાથે પાછા આવશો? અમે ફક્ત પાલન માટે આને વેકેશન બેન્ચ સમક્ષ મૂકીશું.’


