કચ્છ અને અમરેલી સહિત અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો
પટનામાં ગઈ કાલે ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થઈ રહેલા લોકો. તસવીર પી.ટી.આઇ.
ભારતના અનેક ભાગમાં આગામી થોડા દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે બીજી મે સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં વીજળી, ભારે પવન અને કરાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી તરફ મધ્ય અને પૂર્વ ભારતમાં પહેલી મેએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તામિલનાડુ, કેરલા, આંધ્ર પ્રદેશ અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં બીજી મે સુધી છુટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દરમ્યાન, ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ અને અમરેલી સહિત અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઍક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહેલી મેની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર થાય એવી શક્યતા છે.
દરમ્યાન હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
દરમ્યાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બીજી મે સુધી; આગામી પાંચ દિવસ સુધી ઉત્તરાખંડમાં; પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં બીજી મે સુધી છુટાછવાયાં સ્થળોએ કરા પડી શકે છે.


