ગુજરાતમાં ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક ગાજવીજ સાથે પડ્યો વરસાદ, કેરીના મોર ખરી પડતાં ખેડૂતોને નુકસાન
જૂનાગઢ શહેરમાં ગઈ કાલે વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ ઃ ગુજરાતમાં ભરઉનાળે ચોમાસું બેઠું છે, જેના પગલે ખેડૂતોની માઠી દશા થઈ છે. ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૮૯ તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો, જેમાં ધ્રોલમાં પોણાબે ઇંચ, ગોંડલ અને મોરબીમાં દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો હતો. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનાં બૉક્સ પલળી ગયાં હતાં. એટલું જ નહીં, કમોસમી વરસાદના પગલે કેરીના મોર ખરી પડતાં ખેડૂતોને નુકસાન થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે જાણે ચોમાસું જામ્યું હોય એમ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક ગાજવીજ સાથે પડ્યો વરસાદ હતો. ભરઉનાળે પણ ભુજ, જામનગર, જામકંડોરણા, કોટડાસાંગાણી, જૂનાગઢ, માંગરોળ (જૂનાગઢ), કોડીનાર, મુંદ્રા, ટંકારા તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનાં બૉક્સ પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. લોધીકા, જેતપુર, ગોંડલ, લાલપુર તેમ જ ભીલોડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો હતો. એટલું જ નહીં, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં પડેલા કમોસમી વરસાદના પગલે કેરીના મોર ખરી પડ્યા હતા.


