હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગ, ૬ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા, ૨૯થી વધારે ઘાયલ, ઘટનાની જુડિશ્યલ તપાસ થશે
પોલીસ પ્રશાસન અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના કર્મચારીઓ મંદિર પરિસરમાં દુર્ઘટના પછી સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસાદેવી મંદિરમાં ગઈ કાલે સવારે સવા નવ વાગ્યે પગપાળા મંદિર સુધી પહોંચવાના રસ્તા પર એકાએક નાસભાગ થતાં ૬ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૨૯ ભાવિકો ઘાયલ થયા હતા.
મનસાદેવી મંદિર હરિદ્વારમાં શિવાલિક ટેકરીઓના બિલ્વ પર્વતની ટોચ પર આવેલું છે. હર કી પૌડીથી લગભગ ૩ કિલોમીટર દૂર આવેલા આ મંદિરમાં પહોંચવા માટે લગભગ ૮૦૦ સીડીઓ ચડવી પડે છે. આ સિવાય રોપવે દ્વારા પણ પહોંચી શકાય છે. મંદિરની ટેકરી પર ચડવા માટે સાંકડા રસ્તા અને નાની સીડીઓ છે. કાવડયાત્રાને કારણે તાજેતરમાં બંધ કરાયેલા માર્ગો ફરીથી ખોલવામાં આવતાં આ માર્ગોમાંથી એક પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડમાં અચાનક વધારો થવાને કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ. રસ્તો લપસણો હતો અને ઊંચાઈ પણ હતી, જેના કારણે નાસભાગ વધુ ભયંકર બની હતી.
ADVERTISEMENT

હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં નાસભાગની ઘટના પછી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. સેંકડો ભક્તો દેવીના ચડાવા માટે લાવેલા એ સામગ્રી, ચૂંદડીઓ વગેરે સાથે ભક્તોનાં ચંપલો રસ્તા પર અસ્તવ્યસ્ત ફેલાયેલાં જોવા મળ્યાં હતાં.
હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં નાસભાગની ઘટના પછી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. સેંકડો ભક્તો દેવીના ચડાવા માટે લાવેલા એ સામગ્રી, ચૂંદડીઓ વગેરે સાથે ભક્તોનાં ચંપલો રસ્તા પર અસ્તવ્યસ્ત ફેલાયેલાં જોવા મળ્યાં હતાં.
આ દુર્ઘટના વિશે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ‘મંદિર સુધી પહોંચવા માટે લગભગ પચીસ સીડી બાકી હતી. ભારે ભીડને કારણે કેટલાક લોકો ત્યાં લગાવેલા વાયરને પકડીને આગળ વધતા હતા. આ દરમ્યાન કેટલાક વાયરો છૂટા પડી ગયા અને એમાં કરન્ટ લાગ્યો. એના કારણે અરાજકતા સર્જાઈ અને લોકો સીડીઓ પર પડીને મૃત્યુ પામ્યા હતા.’
બીજી તરફ પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ ડોભાલે જણાવ્યું હતું કે ‘પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનું કારણ સીડીથી ૧૦૦ મીટર નીચે રેલિંગ પાસે ઇલેક્ટ્રિક શૉકની અફવા હતી. ભીડમાં રેલિંગમાં કરન્ટ હોવાની અફવા ફેલાઈ એટલે ભક્તોમાં નાસભાગ મચી ગઈ. લોકો આમતેમ દોડવા લાગ્યા અને ઘણા લોકો સીડી પર પડી ગયા.’
હરિદ્વાર પોલીસે પણ મંદિરમાં કરન્ટ ફેલાવાના સમાચારને અફવા ગણાવ્યા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભારે ભીડ એકઠી થવાને કારણે આ અકસ્માત થયો હતો.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઘટનાની મૅજિસ્ટ્રેટ-તપાસનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.


