ગઈ કાલે ચાર કલાક ચાલેલી કૅબિનેટની બેઠકમાં વડા પ્રધાને વિકસિત ભારત ૨૦૪૭નો વિગતવાર પ્લાન રજૂ કરીને પ્રધાનમંડળના સાથીઓને કહ્યું કે જાઓ, વિજયી થાઓ; બહુ જલદી મળીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ મીટિંગ દરમ્યાન
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાનો સાથેની આખો દિવસ ચાલેલી કૅબિનેટની છેલ્લી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિમ્પલ મેસેજ આપ્યો હતો કે જાઓ, વિજયી થાઓ; જલદી મળીશું. આ નિર્ણાયક બેઠકમાં વિઝન ડૉક્યુમેન્ટ ‘વિકસિત ભારત ૨૦૪૭’ પર મંથન કરવામાં આવ્યું હતું અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર કાર્ય-યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી વખતે લોકોને મળતી વખતે સાવધ રહેવાનું કહ્યું હતું. ચાર કલાક સુધી ચાલેલી લાંબી બેઠકમાં વડા પ્રધાને પ્રધાનોને વિવાદથી દૂર રહેવાની સાથે ડીપફેકથી પણ સાવધ રહેવાની સલાહ આપતાં કહ્યું હતું કે ‘કોઈ પણ નિવેદન આપતાં પહેલાં મહેરબાની કરીને વિચારજો. આજકાલ ડીપફેકમાં અવાજ સાથે ચેડાં કરવાના મામલા આવી રહ્યા છે એટલે સાવધ રહેજો. સરકારની સ્કીમ વિશે બોલતી વખતે પણ સંભાળજો.’
ADVERTISEMENT
સૂત્રો મુજબ વડા પ્રધાને આ બેઠકમાં કહ્યું હતું કે વિકસિત ભારતની ઝલક આ વર્ષે જૂનમાં રજૂ થનારા આગામી સંપૂર્ણ બજેટમાં જોવા મળશે. વડા પ્રધાને વિકિસિત ભારત સેમિનારને વિભાગીય કાર્યસૂચિમાં સામેલ કરવા કહ્યું હોવાનું માનવામાં આવે છે અને CII અને FICCI જેવી વ્યાપારી સંસ્થાઓને આ અંગે સંવાદ શરૂ કરવા વિનંતી કરી હતી. વડા પ્રધાને વિભાગોને એક ઍક્શન પ્લાન તૈયાર કરવા અને એના પર વિચારો રજૂ કરવા કહ્યું હતું.
સરકારનાં સૂત્રો મુજબ મે મહિનાના અંતમાં કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ તાત્કાલિક ૧૦૦ દિવસનો એજન્ડા જારી કરવામાં આવશે. વડા પ્રધાને કહ્યું હતું કે ‘વિકસિત ભારત’માટેનો રોડમૅપ બે વર્ષથી વધુની સઘન તૈયારીનું પરિણામ છે અને એમાં સંપૂર્ણ સરકારનો અભિગમ સામેલ છે. આમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગસંસ્થાઓ, નાગરિક સમાજ, વૈજ્ઞાનિકો સાથે વ્યાપક પરામર્શનો સમાવેશ થાય છે.’
આ માટે ૨૭૦૦ બેઠક, વર્કશૉપ અને સેમિનાર જુદા-જુદા સ્તરે યોજવામાં આવ્યાં હતાં અને ૨૦ લાખથી વધુ યુવકોનાં સૂચનો લેવામાં આવ્યાં હતાં. બેઠકમાં વડા પ્રધાને બજેટમાં એક લાખ કરોડ રૂપિયા આપણે નવા યુગ સાથે તાલ મેળવી શકીએ એ માટે ભવિષ્યની ટેક્નૉલૉજી માટે ફાળવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. વડા પ્રધાને પ્રધાનો અને અધિકારીઓને સંબંધિત મંત્રાલયના રેકૉર્ડ્સ ચકાસવાની સાથે ભૂતકાળમાં લેવામાં આવેલા નિર્ણયથી કેવી રીતે વિકાસ થયો હતો એના પર નજર નાખવાની સલાહ આપી હતી. આમ કરવાથી બધાને છેલ્લાં ૨૫ વર્ષમાં વિચારો કેવી રીતે બદલાયા એનો ખ્યાલ આવશે.
વડા પ્રધાને ૨૦૪૭ માટેનું ભારતનું વિઝન ડૉક્યુમેન્ટ રજૂ કરતાં કહ્યું હતું કે ‘વિકસિત ભારત ૨૦૪૭ આપણી પ્રાથમિકતા છે. જનતાના હાથ મજબૂત કરવાની સાથે ટકી શકે એવી અર્થવ્યવસ્થા ઊભી કરવાનો પ્લાન હોવો જોઈએ. ૨૫ વર્ષનો પ્લાન ભારતને એક વિકસિત દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની સાથે વિશ્વને ટેક્નૉલૉજી અને નવીનતા આપવામાં ભારતને નેતૃત્વ આપનારો હશે.’


