ગાઝિયાબાદની આ ઘટનામાં કપલનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. પતિનું હાર્ટ-અટૅકને લીધે થયું મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ગાઝિયાબાદના એક યુવાન યુગલે દિવસની શરૂઆત ઝૂની મુલાકાત સાથે કરી હતી, પરંતુ ૨૪ કલાક કરતાં ઓછા સમયમાં તેઓ બન્ને મૃત્યુ પામ્યાં હતાં. હાર્ટ-અટૅકને કારણે ૨૫ વર્ષના અભિષેક અહલુવાલીનું મૃત્યુ થયું હતું. પત્ની અંજલિ આ આઘાત જીરવી શકી નહોતી અને તેણે સાતમા માળેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું. અભિષેક અને અંજલિએ ગયા વરસે ૩૦મી નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. તેમણે દિલ્હી-ઝૂની મુલાકાત લેવાની યોજના ઘડી હતી. ઝૂમાં અભિષેકને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. એટલે અંજલિએ મિત્રોને બોલાવ્યા હતા અને અભિષેકને હૉસ્પટિલમાં લઈ જવાયો હતો. ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને અભિષેકના મૃતદેહને લઈ જવાયો હતો. ત્યાં પતિના મૃતદેહને જોઈને અંજલિ પહેલાં તો ભાંગી પડી હતી અને તે એની બાજુમાં બેસીને બહું જ રડી હતી. જોકે ત્યાર બાદ અંજલિ અચાનક ઊભી થઈ હતી અને બાલ્કની તરફ દોડી હતી અને હું તેને અટકાવી શકું એ પહેલાં તો તેણે કૂદકો મારી દીધો હતો, એમ સંબંધી બબિતાએ જણાવ્યું હતું.

