Gangrape in Kolkata Law College: કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લૉ કૉલેજમાં ગેંગરેપના ગંભીર કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કૉલેજમાં થઈ.
ધરપકડ કરેલો આરોપી અને પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા અને મિડ-ડે)
કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લૉ કૉલેજમાં ગેંગરેપના ગંભીર કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કૉલેજ કેમ્પસની અંદર બની હતી. ત્રણેય આરોપીઓ વિદ્યાર્થીનીને એક રૂમમાં લઈ ગયા અને તેનો ગેંગરેપ કર્યો. પીડિતાની ફરિયાદ પર કસ્બા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્ટાફ સભ્ય તેમજ વર્તમાન વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ, પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી, સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ફોરેન્સિક તપાસ હાથ ધરવા માટે કૉલેજ કેમ્પસને હાલ પૂરતું સીલ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની તાલબાગન ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ શંકર શિશુ રોય ઉદ્યાનની સામેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજા આરોપીની તેના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે જેથી ડિજિટલ પુરાવાઓની તપાસ કરી શકાય.
ત્રણ આરોપી કોણ છે?
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખોપાધ્યાયની 25 જૂને કોલકાતા લૉ કૉલેજની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. FIRમાં નામ આપવામાં આવેલા આરોપીઓને દક્ષિણ 24 પરગણાના એ.સી.જે.એમ. અલીપોર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની યોગ્ય તપાસ માટે તેમને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે." આરોપી મનોજીત મિશ્રાના વકીલ આઝમ ખાને જણાવ્યું હતું કે, "ગેંગરેપનો આરોપ છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કૉલેજ કેમ્પસમાં તેની પર બળાત્કાર થયો હતો. કોર્ટે મંગળવાર, 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી મંજૂર કરી છે."
રાષ્ટ્રીય મહિલા આયોગે નોંધ લીધી
નેશનલ કમિશન ફૉર વુમન (NCW) એ કોલકાતામાં બનેલી એક આઘાતજનક ઘટનાનું સ્વતઃ નોંધ લીધી છે. NCW એ જણાવ્યું હતું કે કૉલેજ કેમ્પસમાં કાયદાની એક વિદ્યાર્થીની પર બે વર્તમાન વિદ્યાર્થીઓ અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. "ચેરપર્સન વિજયા રાહટકરે કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને આ કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને BNSS ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તાત્કાલિક, સમયબદ્ધ તપાસનો નિર્દેશ આપ્યો છે. તેમણે BNSS ની કલમ 396 હેઠળ વળતર સાથે પીડિતાને સંપૂર્ણ તબીબી, માનસિક અને કાનૂની સહાય પૂરી પાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કમિશને 3 દિવસની અંદર વિગતવાર કાર્યવાહીનો અહેવાલ માગ્યો છે," NCW એ નિવેદનમાં જણાવ્યું હતું.
આર.જી. કર બળાત્કાર-હત્યા કેસ કોલકાતાને હચમચાવી નાખી હતી
આર.જી. કર બળાત્કાર-હત્યા કેસ ઓગસ્ટ 2024 માં કોલકાતાના આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં બનેલી એક ભયાનક ઘટના હતી. 31 વર્ષીય મહિલા ટ્રેની ડૉક્ટર પર હૉસ્પિટલ પરિસરમાં બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. મુખ્ય આરોપી સંજય રોયને 18 જાન્યુઆરી 2025 ના રોજ સિયાલદાહ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને 20 જાન્યુઆરીએ આજીવન કેદની સજા ફટકારી હતી. સીબીઆઈએ ફાંસીની સજાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેને "દુર્લભમાં દુર્લભ" કેસ માન્યો ન હતો. આ કેસથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને કોલકાતામાં ડૉકટરો અને અન્ય લોકો દ્વારા લાંબા સમયથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા.


