Gandhi Jayanti 2023 : આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ સોમવારે ઉજવવામાં આવશે. ગાંધીજીના જીવન સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ વિશે આજે વાત કરવી છે.
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીજીની જન્મજયંતી (Gandhi Jayanti 2023) નજીકમાં છે. આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ સોમવારે ઉજવવામાં આવશે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ સિવાય 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિને ત્રીજો રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. આજે પણ મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના વિચારો એટલા જ પ્રભાવશાળી છે. ગાંધીજી (Gandhi Jayanti 2023)ના જીવન સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ વિશે આજે વાત કરવી છે. મૂળ એન્જિનિયર અને હાલમાં નવજીવન સંસ્થા સાથે સંકળાયેલા સોહમ પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ વિશે માહિતી શૅર કરી હતી.
દેશના વિભાજનમાં ગાંધીજી જવાબદાર હતા?
આ ગેરમાન્યતા વિશે સોહમ પટેલ જણાવે છે કે, “આ બાબતને સમજવા એ સમયનો માહોલ સમજવો પડે. ગાંધીજીનું સ્ટેન્ડ, કોંગ્રેસનું સ્ટેન્ડ, મુસ્લિમ લીગનું સ્ટેન્ડ આ બધા જ પાસાંઓને સમજવા પડે. મુસ્લિમ લીગને એમ જણાતું હતું કે અખંડ ભારતમાં અમે સલામતી નથી અનુભવી રહ્યા. જોકે, ગાંધીજીનું પહેલેથી જ અખંડ ભારત બાજુએ જ હતા. દેશમાં આંતરિક યુદ્ધ થાય એના ભોગે પણ અખંડ ભારતને આઝાદી મળે એમ ઇચ્છતા હતા. કોંગ્રસને એ માટે તેઓ સમજાવતા પણ હતા. પણ અમુક જે મૂલ્યો સાથે સમાધાન ન થઈ શકે એવા સંજોગો ઊભા થયા હતા. અને ગાંધીજીની અનિચ્છાએ કોંગ્રેસે ગાંધીજીને ભાગલા માટે સમજાવ્યા હતા.”
ADVERTISEMENT
ગાંધીજી પોતાના સંતાનો પ્રત્યે કઠોર હતા?
ગાંધીજી વિશેની આ ધારણા તેમના પુત્ર હરિલાલ ગાંધી સાથે બનેલા અણબનાવમાંથી વહેતી થઈ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સમયથી જ આશ્રમ જીવન અપનાવ્યું હતું. એટલે બાળકો માટે પણ એ નિયમો આધીન થાય. આશ્રમ જીવન દરમ્યાન તેઓએ મહાવ્રતો રાખ્યા હતા. એવું નથી કે આ નિયમો માત્ર તેમના સંતાનો માટે જ હતા એ સમગ્ર આશ્રમ માટે હતા. સોહમ પટેલ જણાવે છે કે, “ગાંધીજીએ આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રેમ, હૂંફ માટે જે કામ કર્યા તે અદભૂત હતા. હરિલાલ સાથે બનેલો અણબનાવ એ તેમના બીજા પુત્રો સાથે સેમ હતો એવું ન કહી શકાય”
ગાંધીજી ટેકનોલોજી પ્રત્યે નફરત કરતા હતા?
આ ખોટી ધારણા પ્રત્યે તો ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો હતો. સોહમ પટેલ જણાવે છે કે, “આ વિશે સમજવા આપણે હિન્દ સ્વરાજ વાંચવું પડે. ગાંધીજીને ટેકનોલોજી ટેકનોલોજી સાથે કોઈ પ્રૉબ્લેમ નહોતો પણ જે ઔદ્યોગીકરણો થાય છે એના જે દૂષણો છે એનો એમને વિરોધ હતો. તેઓએ ટ્રસ્ટીશીપની ભાવના વિકસાવી હતી. તેમને તો એવો સમાજ ઊભો કરવો હતો જે સ્વાવલંબી હોય. કોઈને ટેલિફોન જોડવાનો હોય તો એ જોડતા જ હતા, જ્યારે માઇક વાપરવું પડે ત્યારે વાપરતાં જ હતા.”
ગાંધીજી અને કસ્તુરબા કોઈ કંપનીના શૅર હોલ્ડર હતા?
આ એક ખોટી ધારણા છે. ખરેખર તો એ સમયે એવો વખત આવી ગયો હતો કે ગાંધીજી સાથે અંધશ્રદ્ધા જોડાઈ ગઈ હતી. જોકે, ગાંધીજીને તો કોઈ તેઓને મહાત્મા કહે એ પણ ગમતું નહોતું. લોકો તો ગાંધીજીને મળતા ત્યારે બાધા રાખતા. કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે પોતાનો ગ્રોથ થાય એ માટે ગાંધીજીના નામે શૅર રાખ્યા હતા. બાકી ગાંધીજી અને કસ્તુરબા તેમાં કોઈ જ પાર્ટી નહોતા.
‘બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી’ આ વાક્ય ગાંધીજીએ કહ્યું છે?
આ એક ક્વોટેશન જે ગાંધીજીના નામે ફરે છે. પણ આવું કોઈ જ વાક્ય તેઓ બોલ્યા નહોતા. ભલે આ વાક્યની ભાવના સારી હોય અને ગાંધીજી આ પ્રમાણે જીવ્યા પણ હોય છતાં આ વાક્ય ગાંધીજીએ આપ્યું નથી. સોહમ પટેલ આ વિષે જણાવે છે કે, “આ અવતરણ ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી કોઈ એક ઇંટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે તેઓએ કોઈ મુદ્દો સમજાવવા આ વાક્ય કહ્યું હતું.”

