મહાભારતની કથા કહે છે કે પાંડવોએ રચેલી રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ કર્યો હતો
મહાત્મા ગાંધી
મહાભારતની કથા કહે છે કે પાંડવોએ રચેલી રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં આર્યાવર્તના લગભગ તમામ કહી શકાય એવા રાજવીઓ ઉપસ્થિત હતા. આ સભામાં શિશુપાળે શ્રીકૃષ્ણને ગાળો આપી. કહે છે કે શ્રીકૃષ્ણે ચૂપચાપ એ ગાળો સહન કરી. વળતો ગુસ્સો કરીને શિશુપાળ પર કોઈ પ્રહાર ન કર્યો, પણ જ્યારે શિશુપાળે એકસોમી ગાળ દીધી ત્યારે કૃષ્ણે અહિંસા છોડી દીધી; સુદર્શનચક્રને આમંત્રણ આપ્યું અને શિશુપાળનો શિરચ્છેદ કર્યો.
ગાંધીજી જે યુગમાં જીવતા હતા એ યુગમાં શિશુપાળ નહોતા એમ નથી. દરેક યુગમાં એકાદ ગાંધી હોય છે અને ગાંધીને ગાળો દેનારા શિશુપાળ પણ હોય છે. આવા દરેક શિશુપાળને ગાંધી ભલે વળતી ગાળ ન દે, પણ આવા શિશુપાળોને ખુલ્લા પાડીને એમનો વળતો વધ કરવો એ પ્રજા તરીકે અન્યનું તો કર્તવ્ય છે જ. હમણાં-હમણાં ગાંધીને નામે પાર વિનાના અપશબ્દો, એમના પરિવારજનો અને પૂર્વજો માટે અત્યંત ગંદું કહેવાય એવું લખાણ ફેસબુક, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ અને નવાનોખા નામે લોકો ફેલાવતા રહે છે. આ એક શિશુપાળ નથી, એક કરતાં વધારે છે. એક શિશુપાળ માટે એક સુદર્શનચક્ર અને એક કૃષ્ણ પૂરતા હતા. ગૂગલ પરિવારના આ શિશુપાળો માટે હવે એકાદ નહીં, એકથી વધુ સુદર્શનચક્ર હાથમાં લીધા વગર ચાલશે નહીં. ગાંધી ભલે અહિંસામાં માનતા હોય, પણ કૃષ્ણે ક્યારેય અહિંસા સ્વીકારી નથી.
ADVERTISEMENT
ગાંધી અને અહિંસા | જૈન ધર્મના ગુરુદેવોથી પણ ચાર આંગળ ચડી જાય એવી અહિંસાની વિભાવના ગાંધીજીએ કેળવી હતી. બીજું બધું તો ઠીક પણ પતિ-પત્નીના દામ્પત્ય ધર્મથી પણ હિંસાનો ભંગ થાય છે એવું ગાંધીજીએ સ્વીકાર્યું. પતિ-પત્નીના સંબંધોથી એક નવા બાળકનો જન્મ રૂંધાઈ જાય છે એટલે આ એક પ્રકારની હિંસા જ થઈ કહેવાય. જૈન દેવપુરુષોની આવી માન્યતા કેટલા જૈન શ્રાવકો સ્વીકારતા હશે એ કોઈ જાણતું નથી પણ ગાંધીએ જ્યારે આવી અહિંસાની વાત કરી ત્યારે એવું કહ્યું હતું કે બાળકની ઇચ્છા વિના કરેલો પતિ-પત્નીનો પ્રત્યેક સંબંધ અપાચાર છે. અન્યોએ તો ઠીક ખુદ જવાહરલાલે ગાંધીજીની આ વાત પર ટકોર કરતાં કહેલું કે જો એવું જ હોય તો હું પણ પાપાચારી છું.
સ્વાતંયની લડતમાં ભાગ લેનારા દરેક સત્યાગ્રહી અહિંસક હોવો જોઈએ એવો ગાંધીનો આગ્રહ રહેતો. આ આગ્રહ સાથે જ તેમણે એવો બીજો એક મહાઆગ્રહ પણ કરેલો કે સત્યાગ્રહી અહિંસક હોય જ એટલું પૂરતું નથી, એણે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. હવે જો આ મહાઆગ્રહનું અનુશીલન કરીને સત્યાગ્રહીઓ લડતમાં જોડાય તો સ્વાતંય ક્યારે પ્રાપ્ત થાય?
આઝાદી આવતાં વેંત સ્વાતંય ભારતની સરકાર લશ્કરનું વિસર્જન કરશે અને અહિંસાનું અનુશીલન કરશે એવો પણ ગાંધીજીએ આગ્રહ કર્યો હતો. કૉન્ગ્રેસ કારોબારીમાં એમણે મૂકેલા ઠરાવમાં એ સાવ એકલા પડી ગયા હતા. જવાહરલાલ તો ઠીક પણ સરદાર પટેલ પણ બાપુ સાથે રહ્યા નહોતા. પરસ્પરથી છૂટા પડવાની આ પરિસ્થિતિથી બંનેને પારાવાર દુઃખ થયું. બાપુએ કહ્યું હતું : ‘સરદાર તમે પણ મારાથી છૂટા પડશો?’ સરદારે અત્યંત વ્યથિત સ્વરે કહેલું : ‘બાપુ હું તો તમે કહો ત્યાં આંખ મીંચીને દોટ દેવા તૈયાર છું પણ તમે કહો છો કે જે તમારી વાતમાં માને એ જ તમારી સાથે રહે, જો હું એમ કહું તો તમારી સાથે શી રીતે રહી શકું? એ તો દંભ કર્યો કહેવાય અને તમારી સાથે દંભ તો કદી ન કરી શકું.’
ગાંધીજી અને યંત્ર | ગાંધીજી યંત્રવાદના વિરોધી હતા એનાં અનેક કારણો છે. પ્રવર્તમાન વિશ્વની ગતિમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિ યંત્રનો વિરોધ કરી શકે નહીં. ગાંધીજીએ કહેલું કે આ રેંટિયો કે તકલી સુધ્ધાં એક યંત્ર જ છે. તેમણે કહ્યું કે યંત્ર ઉત્પાદનમાં વધારો કરવા માટે તથા ચીજવસ્તુઓ સોંઘી અને સારી બનાવવા માટે શોધાતાં હોય છે. જો યંત્રથી ઉત્પાદન વધે અને ચીજવસ્તુઓ સોંઘી, ટકાઉ અને સારી બને તો એની સામે મારો વિરોધ શી રીતે હોઈ શકે? તેમણે કહ્યું : ‘એક કારખાનામાં એકસો માણસો કામ કરતા હોય અને દરેક માણસને રોજ દસ રૂપિયા દનૈયું મળતું હોય તથા કારખાનાના માલિકને ત્રીસ કે ચાલીસ રૂપિયા નફો મળતો હોય એવા સંજોગોમાં નવું યંત્ર બેસાડી અને જો એનાથી કારખાનાના કારીગરોને દસથી વધીને બાર કે તેર રૂપિયા દનૈયું મળે. એની સામે જો માલિકને પચાસ કે સાઠ સુધીનું દનૈયું થાય તો સમાજના આ બંને સ્તરો વચ્ચેનું અંતર પુષ્કળ વધી જાય. આના પરિણામે મોંઘવારી વધે અને ગરીબ વધુ ગરીબ બને અને ધનિક શેઠિયાઓ વધુ માલદાર બને. યંત્રનો આવો ઉપયોગ થવો જોઈએ નહીં. યંત્રથી મળતા લાભો સહુને એકસરખા મળવા જોઈએ.
આપણે સહુ જાણીએ છીએ કે ગાંધીજીના એવા વિચારનો કોઈ ક્યારેય અમલ કે ઉપયોગ કર્યો નથી.
મહાપુરુષ અને એમના મૂઠી ઊંચેરા વિચારો
શ્રીકૃષ્ણ હોય, મહાવીર હોય, ઈસુ હોય કે પછી ગાંધી હોય; યુગે-યુગે મહાપુરુષ નવા જ વિચારો લઈને આપણી વચ્ચે આવે છે. એ તત્કાળ સ્વીકાર્ય નથી બનતા, બની શકે પણ નહીં. જે વિચારો તત્કાલીન સમાજથી અલગ હોય છે એ તાત્પૂરતા અસ્વીકાર્ય જ રહે. આવા માણસને વિશ્વમાનવ કહીએ એ જ ઉચિત છે. વિશ્વમાનવ આજનો વિચાર નથી કરતા, આવતી કાલનો પણ નથી કરતા. એમના વિચારો લાંબા ગાળાના હોય છે. જોકે ઉરાંગઉટાંગ વિચારો વડે લોકોને ભરમાવી દેનારા બધા પુરુષો નથી હોતા. વૈશ્વિક કહી શકાય એવી વાત સાથે તત્કાલીન યુગમાં આવનારો માણસ હજારે કે લાખે નહીં પણ કરોડે એકાદ હોય છે. ગાંધીને આ કરોડો પૈકી એકમાં મૂકી શકાય એમ છે.
ગાંધી અને આપણે | આજે ગાંધી આપણી વચ્ચે સદેહે નથી. એમ તો કૃષ્ણ, મહાવીર કે ઈસુ પણ ક્યાં છે? આ લોકો નહીં હોવા છતાં એમણે આપણને જે વિચાર કરતા કરી મૂક્યા એ વિચારો તો હજી એવા ને એવા જ છે. સવાલ એટલો જ છે કે એ વિચારો આ મહાપુરુષોએ આપણા સુધી પહોંચાડી શક્યા નથી એ સત્ય સ્વીકાર્યા વિના આપણને ચાલે એમ નથી. એ એમની ગુરુતા છે અને આપણી લઘુતા છે.
ગાંધી ગઈ કાલે હતા. એ હતા ત્યારે છે એવું લાગતું નહોતું. આજે સદેહે આપણી વચ્ચે નથી ત્યારે તેમને શોધવા પડે છે.


