સમગ્ર શિક્ષણ યોજના પાંચ વર્ષ લંબાવાઈ : બાળકીઓની સ્વરક્ષા પર પણ ભાર, સરકારી સ્કૂલોમાં શરૂ થશે પ્લે સ્કૂલ
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઈ કાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળે લીધેલા કેટલાક ફેરફારોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે ‘દેશમાં છઠ્ઠા ધોરણથી આઠમા ધોરણ સુધી વ્યાવસાયિક શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. નવમાથી બારમા ધોરણ વચ્ચે કૌશલ્ય (સ્કિલ) પર લક્ષ અપાશે.’
સ્કૂલ સ્તરિય શિક્ષણ માટેની ‘ત્રણ વર્ષ જૂની સમગ્ર શિક્ષા (શિક્ષણ) સ્કીમ’ કે જે ૨૦૨૧ની પહેલી એપ્રિલથી ફરી લાગુ કરાઈ છે એ ૨૦૨૬ની ૩૧મી માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર પ્રધાને એવું પણ કહ્યું હતું કે ‘સરકારે પહેલી વાર ૨૦૧૮થી અમલી બનાવાયેલી સમગ્ર શિક્ષા યોજનામાં બાળ સુરક્ષાને જોડી દીધી છે. આ સંબંધમાં બાળકોના અધિકારોના સંરક્ષણ માટે પંચ સ્થાપિત કરવા રાજ્યોને સહાયતા અપાશે. એ ઉપરાંત બાળકીઓની સ્વરક્ષા માટેની પહેલ ગણાતી રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ માટે બાળકી દીઠ ત્રણ મહિનામાં ૩૦૦૦ રૂપિયાનો ખર્ચ કરાતો હતો એ વધારીને ૫૦૦૦ રૂપિયા કરાયો છે. હવેથી સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ રખાશે અને એ મુજબ શિક્ષકોને તાલીમ અપાશે.’
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘પાંચ વર્ષ માટે લંબાવવામાં આવેલી શિક્ષણ વ્યવસ્થા પાછળ કુલ ૨,૯૪,૨૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ છે અને એમાં કેન્દ્રનો હિસ્સો ૧,૮૫,૩૯૮ કરોડ રૂપિયા રહેશે. આ ખર્ચ દેશમાં ૨૧મી સદીનાં બાળકો તૈયાર કરવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમ જ ક્લાસ રૂમ વધારવા પાછળ અને બીજી આવશ્યક બાબતો માટે ખર્ચ કરાશે.’
દરમ્યાન દુષ્કર્મના કિસ્સાઓમાં મહિલાઓ, સગીર વયની છોકરીઓને વહેલાસર ન્યાય મળે એ હેતુથી ફાસ્ટ ટ્રૅક સ્પેશ્યલ કોર્ટ સ્થાપવા માટેની સેન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ વધુ બે વર્ષ લંબાવવામાં આવી છે.
11.6 - સમગ્ર શિક્ષા (શિક્ષણ) યોજના હેઠળ આટલી લાખ સ્કૂલો તેમ જ ૧૫.૬ કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને ૫૭ લાખ શિક્ષકો સંકળાયેલા છે.


