પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ટૂરિસ્ટોને મારી નાખવામાં આવ્યા એના વિરોધમાં ગઈ કાલે કાશ્મીર ખીણપ્રદેશમાં બંધ પાળવામાં આવ્યો હતો
જમ્મુમાં ગઈ કાલે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ટૂરિસ્ટોને મારી નાખવામાં આવ્યા એના વિરોધમાં ગઈ કાલે કાશ્મીર ખીણપ્રદેશમાં બંધ પાળવામાં આવ્યો હતો. ૩૫ વર્ષ બાદ પહેલી વાર આતંકવાદના વિરોધમાં લોકોએ બંધ પાળ્યો હતો. આ પહેલાં આતંકવાદીઓ બંધનું આહવાન કરતા હતા અને લોકોને ફરજિયાત તેમની દુકાનો અને બિઝનેસ બંધ રાખવાં પડતાં હતાં.
ગઈ કાલે તમામ દુકાનો, પેટ્રોલ-પમ્પ સહિતના બિઝનેસ બંધ રહ્યા હતા. માત્ર દવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. કાશ્મીર યુનિવર્સિટીએ બુધવારે યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી હતી.
ADVERTISEMENT

ગઈ કાલે પહલગામમાંથી તેમની હોટેલ છોડીને નીકળતા ટૂરિસ્ટ.
હુમલાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં લગભગ તમામ મહત્ત્વનાં સ્થળો અને ખાસ કરીને ટૂરિસ્ટ સ્પૉટ પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
શ્રીનગર ઍરપોર્ટ પર રાહ જોતા મુસાફરોને ગઈ કાલે ચા-નાસ્તો આપવામાં આવ્યાં હતાં.
રસ્તા પર પ્રાઇવેટ વાહનો દેખાતાં હતાં, પણ લોકો ભાગ્યે જ રોડ પર નીકળ્યા હતા. તમામ પ્રાઇવેટ સ્કૂલો બંધ હતી, પણ સરકારી સ્કૂલો ખુલ્લી રાખવામાં આવી હતી.
જમ્મુમાં આતંકવાદી અટૅકનો વિરોધ કરતા લોકો.
આ હુમલાનો કાશ્મીરના લોકોએ પણ વિરોધ કર્યો હતો. સત્તાધારી નૅશનલ કૉન્ફરન્સ (NC), પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP), પીપલ્સ કૉન્ફરન્સ અને અપની પાર્ટી જેવા રાજકીય પક્ષોએ પણ બંધને ટેકો આપ્યો હતો. કાશ્મીરમાં વિવિધ મુસ્લિમ ધાર્મિક સંગઠનોના અસોસિએશન મુતાહિદ મજલિસ ઉલેમાએ પણ જમ્મુ-કાશ્મીરના લોકોને આતંકવાદી હુમલાનો વિરોધ કરવા વિનંતી કરી હતી.

શ્રીનગરમાં આતંકવાદી અટૅકનો વિરોધ કરતાં મેહબૂબા મુફ્તી અને તેમના સમર્થકો.
કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને કાશ્મીર ટ્રેડર્સ ઍન્ડ મૅન્યુફૅક્ચરર્સ ફેડરેશને પણ બંધ પાળ્યો હતો.


