લોકો જીવ બચાવવા માટે ચાલતી બસમાંથી કૂદ્યા: ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં ૧૬ લોકોને હૉસ્પિટલમાં પહોંચાડાયા: બસમાં ૫૭ મુસાફરો હતા
ઘટનાસ્થળ
ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર એક ઍરકન્ડિશન્ડ સ્લીપર બસમાં આગ લાગી હતી. ૩ વાગ્યે જેસલમેરથી જોધપુર જવા રવાના થયેલી બસ ૨૦ કિલોમીટર દૂર થઈયાત ગામ પાસે પહોંચી ત્યારે અચાનક બસના પાછળના ભાગમાં ધુમાડો થવા લાગ્યો હતો. અચાનક જ લાગેલી આગે એટલું ભીષણ સ્વરૂપ લઈ લીધું કે લોકોએ જીવ બચાવવા માટે ચાલતી બસની બારીમાંથી કૂદકો માર્યો હતો. નગર પરિષદના અસિસ્ટન્ટ ફાયર ઑફિસર કૃષ્ણપાલસિંહ રાઠોડે આ હાદસામાં ૨૦થી વધુ લોકોના જીવ ગયા હોવાની આશંકા જતાવી હતી. કૂદકો મારીને બહાર આવી ગયેલા મુસાફરોને પહેલાં ઍમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહિર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી જોધપુરની મોટી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મોટા ભાગના લોકો ૭૦ ટકાથી વધુ દાઝી ગયા છે.
બસમાં કુલ ૫૭ મુસાફરો હતા. ઘટનાસ્થળે હાજર લોકો અને ફાયર-બ્રિગેડના ઑફિસરોનો અંદાજ કહે છે કે મોતનો આંકડો હજી વધુ હોઈ શકે છે. જેસલમેરના કલેક્ટર પ્રતાપ સિંહે ગઈ કાલે સાંજે કહ્યું હતું કે ‘આગ ઓલવાયાના ૪ કલાક પછી પણ બસ ખૂબ ગરમ છે. આ હાદસામાં ૧૬ ઘાયલોને જોધપુર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બસમાં જે બચ્યા છે એ મુસાફરોની બૉડી જ છે, પણ બસ ધગધગતી હોવાથી શબ કાઢવામાં વાર લાગી રહી છે.’
ADVERTISEMENT
મૃતદેહોના DNAની તપાસ કર્યા પછી એ પરિવારજનોને સોંપવામાં આવશે.


