શિલ્પકારો અત્યારે એના વિશે ચર્ચા કરી રહ્યા છે, સંત સમાજ તરફથી મળેલાં સૂચનો અનુસાર રામલલાની મૂર્તિ પાંચથી છ વર્ષના બાળક જેવી દેખાવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય મંદિર નિર્માણને સંબંધિત અપડેટ્સ ટ્વિટર પર શૅર કરતા રહે છે. હવે મૂર્તિકારો એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે રામલલાની મૂર્તિની ઉંમર કઈ હોવી જોઈએ. એટલે કે આ મૂર્તિમાં ભગવાન રામના બાળપણની કઈ ઉંમરને કેન્દ્રમાં રાખવામાં આવશે.
ચંપત રાયે જણાવ્યું હતું કે ‘સંત સમાજ તરફથી મળેલાં સૂચનો અનુસાર રામલલાની મૂર્તિ પાંચથી છ વર્ષના બાળક જેવી દેખાવી જોઈએ. વાસ્તવમાં મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ પર કેન્દ્રિત હશે.
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભગવાન રામના અત્યારના મંદિરમાં અંતિમ રામનવમી રહેશે, કેમ કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં મંદિરનું નિર્માણ કમ્પ્લીટ થઈ શકે છે અને આગામી રામનવમી ભવ્ય મંદિરમાં જ ઉજવાશે.
૨૦૨૪માં અયોધ્યામાં શ્રીરામમંદિરના ઉદ્ઘાટન પહેલાં યોગી આદિત્યનાથની સરકાર ત્રેતાયુગની વૈભવશાળી રામનગરીને ભવ્ય રૂપ આપવામાં બીઝી છે. રામ કી પૈડી પછી યોગી સરકાર રામનગરીથી ચાર કિલોમીટર દૂર દર્શન નગરમાં સ્થિત સૂર્યકુંડનું પણ બ્યુટિફિકેશન કરી રહી છે, જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. અયોધ્યાની આસપાસનાં પ્રાચીન સ્થળોને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.
યોગી સરકારની ઇચ્છા છે કે અયોધ્યામાં ટૂરિસ્ટ્સને ઓછામાં ઓછા ત્રણ દિવસ રોકી શકાય, જેથી તેઓ ત્યાં અયોધ્યાનાં પ્રાચીન મઠો, મંદિરો અને કુંડની પણ મુલાકાત લઈ શકે.