Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તૃણમૂલ કૉન્ગ્રેસ તૂટી જશે કે શું?

તૃણમૂલ કૉન્ગ્રેસ તૂટી જશે કે શું?

Published : 03 June, 2026 07:25 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમતાનાં મહાધરણાંમાં ૮૦ વિધાનસભ્યોમાંથી માત્ર ૭ દેખાયાઃ પચાસથી વધુ વિધાનસભ્યોએ અલગ બેઠક કરી 

ઋતબ્રત બૅનરજી

ઋતબ્રત બૅનરજી


મમતાદીદીએ જેમને પાર્ટીમાંથી કાઢ્યા એ વિધાનસભ્યોએ કર્યો ચોંકાવનારો દાવોઃ અમે જ અસલી તૃણમૂલ છીએ, અમારી સાથે ૫ચાસથી વધુ વિધાનસભ્યો છે

પશ્ચિમ બંગાળમાં મમતાદીદી અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) હવે ઇતિહાસ બનવાની કગાર પર છે. વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત હાર મળ્યા પછી પાર્ટીની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ હોય એવું લાગે છે, કેમ કે મમતા બૅનરજી બેઠકો અને ધરણાંનું આયોજન કરે છે પણ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય તેમનું સાંભળતું નથી. ગઈ કાલે કલકત્તાના રાણી અૅવન્યુ પર TMCએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અભિષેક બૅનરજી પર થયેલા હુમલાના વિરોધમાં મહાધરણાંનું આયોજન કર્યું હતું, પરંતુ એમાં પાર્ટીના ૮૦માંથી માત્ર ૭ વિધાનસભ્યો જ પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં વિધાનસભ્યો મમતા દીદીથી અંતર બનાવે એનાથી જ પાર્ટીમાં કંઈક મોટી ગરબડ હોય એનો સીધો સંકેત છે. 

પશ્ચિમ બંગાળમાં TMC હવે બે ભાગોમાં વહેંચાઈ જાય એવી પૂરી સંભાવનાઓ આકાર લઈ રહી છે. થોડા સમય પહેલાં TMCમાંથી હાંકી કઢાયેલા નેતા રિજુ દત્તાએ દાવો કર્યો હતો કે TMCના ૮૦ વિધાનસભ્યોમાંથી પચાસથી વધુ સભ્યો ખુદને અસલી તૃણમૂલ ગણાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ વિધાનસભ્યો સ્પીકર પાસે જઈને ત્રણ મુદ્દા ઉઠાવવાના છે. એક તો એ કે તેઓ જ અસલી TMC છે. બીજું, વિપક્ષના નેતા અમારામાંથી હોય અને એમાં સંભવતઃ નામ ઋતબ્રત બૅનરજીનું છે, મમતાએ નક્કી કરેલા શોભનદેવ નહીં. ત્રીજું, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમત છે એટલે ચૂંટણીનું ચિહ્‍ન પણ અમારું હોવું જોઈએ. 



પશ્ચિમ બંગાળમાં TMCના ૮૦ વિધાયકોમાંથી બે-તૃતીયાંશ એટલે કે લગભગ ૫૪ વિધાનસભ્યો હોય તો નવું જૂથ ઉપરોક્ત દાવાઓ આસાનીથી કરી શકે એમ છે. જોકે TMCમાં ફૂટ પડી ગઈ છે એનો જોરશોરથી દાવો કરનારા રિજુ દત્તા વિધાનસભ્ય નથી. 


ઋતબ્રત બૅનરજીએ તખ્તાપલટના દાવાને આપ્યો રદિયો  

ગઈ કાલે આખો દિવસ TMCના બે ફાંટા પડી રહ્યા હોવાની વાતો ચગતી રહી હતી, પરંતુ જેમને વિપક્ષના નેતા બનાવવાનો દાવો થઈ રહ્યો હતો એ‌ વિધાનસભ્ય ‌ઋતબ્રત બૅનરજીએ આ પાયાવિહોણી અફવાઓ છે એમ જણાવીને કહ્યું હતું, ‘મને કોઈ નવી લેજિસ્લેટિવ પાર્ટી બનાવવાના આયોજનની ખબર નથી, ન તો હું એમાં સામેલ છું.’ TMCમાંથી હાંકી કઢાયેલા વિધાનસભ્ય ઋતબ્રત બૅનરજીએ ‘નવી’ પાર્ટીના સ્પોક્સપર્સન રિજુ દત્તાના વિસ્ફોટક દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું કોઈ વિદ્રોહ નથી કરી રહ્યો અને મારા નામે જો કોઈ દાવાઓ થશે તો હું માનહાનિનો કેસ કરીશ. 


મમતાનો આરોપ : અમારા વિધાનસભ્યોને BJPમાં જોડાવા દબાણ BJPએ સ્પષ્ટતા કરી : BJPનું તૃણમૂલીકરણ ક્યારેય નહીં થાય

મમતા બૅનરજીએ BJP પર આરોપ મૂકતાં કહ્યું હતું કે BJP અમારા વિધાનસભ્યોને તેમની પાર્ટી જૉઇન કરવા દબાણ કરી રહી છે. એના જવાબમાં ગઈ કાલે પશ્ચિમ બંગાળના BJPના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું ‘TMC માટે અમારા દરવાજા બંધ છે. અમે બહારના કોઈને લાવ્યા વિના જ ૨૦૭નો આંકડો મેળવી લીધો છે. લોકોએ TMCના નેતાઓની વિરુદ્ધમાં અમને મત આપ્યો છે. અમે કઈ રીતે એવા લોકોને પાર્ટીમાં લઈ શકીએ જેમના પર ડાઘ લાગેલા હોય? BJPનું તૃણમૂલીકરણ ક્યારેય નહીં થાય.’

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 07:25 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK