દરરોજ ત્રણ લાખથી વધુ લાડુ બનાવવા માટે 15000 કિલો શુદ્ધ ઘી વાપરવામાં આવી રહ્યું છે.
પ્રસાદીનો લાડવો
આંધ્ર પ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા સંચાલિત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા વપરાતા ઘીમાં થોડા સમય પહેલાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ લગાવ્યા બાદ પણ ૪ દિવસમાં ૧૪ લાખ લાડુનું વેચાણ થયું છે. આ વિવાદ છતાં રોજ આશરે ૬૦,૦૦૦ ભાવિકો શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.
આ વિવાદ જાહેર થયા બાદ ૧૯ સપ્ટેમ્બરે ૩.૫૯ લાખ લાડુનું વેચાણ થયું હતું. એ જ રીતે ૨૦ સપ્ટેમ્બરે ૩.૧૭ લાખ લાડુ, ૨૧ સપ્ટેમ્બરે ૩.૬૭ લાખ લાડુ અને બાવીસ સપ્ટેમ્બરે ૩.૬૦ લાખ લાડુનું વેચાણ થયું હતું. તિરુપતિ મંદિરમાં રોજ આશરે ૩.૫૦ લાખ લાડુનું વેચાણ થાય છે અને આ આંકડો વિવાદ જાહેર થયા બાદનો છે.
ADVERTISEMENT
તિરુપતિ બાલાજીના ભાવિકોમાં મંદિર પ્રત્યે કે લાડુના પ્રસાદ પ્રત્યે શ્રદ્ધામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. રોજ ત્રણ લાખથી વધારે લાડુ તૈયાર કરવામાં આવે છે અને દર્શન કરવા આવનારા ભાવિકો હોંશેહોંશે લઈ જાય છે અને મિત્રો અને પરિવારમાં લોકોને પ્રસાદ તરીકે આપે છે. રોજ આ લાડુ બનાવવામાં ચણાની દાળ, સાકર, કાજુ, કિસમિસ, બદામ, ઇલાયચી, કેસર ઉપરાંત આશરે ૧૫,૦૦૦ કિલો શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ થાય છે.
લાડુમાંથી તમાકુ મળ્યાનો ભાવિકનો દાવો
તિરુપતિ બાલાજી મંદિરના લાડુમાંથી તમાકુ મળી આવી હોવાનો દાવો ખમ્મામ જિલ્લાની એક ભાવિકે કર્યો છે. પદ્માવતી નામની આ ભાવિકે ૧૯ સપ્ટેમ્બરે આ લાડુ મંદિરમાં દર્શન કર્યા બાદ ખરીધ્યો હતો અને જ્યારે આ પ્રસાદ તે લોકોમાં વહેંચી રહી હતી ત્યારે એમાંથી તમાકુ મળી આવી હતી.
15000 - દરરોજ ત્રણ લાખથી વધુ લાડુ બનાવવા માટે આટલા કિલો શુદ્ધ ઘી વાપરવામાં આવી રહ્યું છે.