ભારતના મિશન દિવ્યાસ્ત્રે ઇતિહાસ રચીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું
ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ-5 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલા અગ્નિ-5 બૅલિસ્ટિક મિસાઇલે ઉડાન દરમ્યાન ૯૦ ડિગ્રીનો ટર્ન લીધો હતો. આ ઘટનાથી દુનિયાના ડિફેન્સ સેક્ટરના નિષ્ણાતો આશ્ચર્યચકિત બની ગયા હતા. આ મિશનને ‘મિશન દિવ્યાસ્ત્ર’ નામ આપવામાં આવ્યું છે. ૨૦ ઑગસ્ટે ઓડિશાના ચાંદીપુરમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ-5 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં મિસાઇલે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ્લી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા દર્શાવી હતી. આ વખતે સૌથી ખાસ બાબત એ હતી કે મિસાઇલે ઉડાનની વચ્ચે ૯૦ ડિગ્રીનો ટર્ન લીધો હતો, જે એની ચાલાકી અને ચોકસાઈ દર્શાવે છે.
અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમની જેમ ભારતે પણ MIRV ટેક્નૉલૉજીની સિદ્ધિ મેળવી લીધી છે. અગ્નિ-5 ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ (ICBM) છે. એની રેન્જ ૫૦૦૦ કિલોમીટરથી વધુ છે. એ ૮૦૦૦ કિલોમીટર સુધીનાં લક્ષ્યોને હિટ કરી શકે છે. ૫૦ ટન વજનનું આ મિસાઇલ ચારથી પાંચ પરમાણુ હથિયારો વહન કરવા માટે સક્ષમ છે.


