દગુબટ્ટી પુરન્દેશ્વરી ચંદ્રાબાબુ નાયડુનાં સાળી છે, રાજમુન્દ્રીથી સંસદસભ્ય
દગુબટ્ટી પુરન્દેશ્વરી
આંધ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પ્રમુખ અને રાજમુન્દ્રી લોકસભા બેઠકનાં સંસદસભ્ય દગુબટ્ટી પુરન્દેશ્વરીને ૧૮મી લોકસભાના સ્પીકર બનાવવામાં આવે એવી શક્યતા છે. BJPનાં આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના સ્થાપક એન. ટી. રામારાવનાં દીકરી દગુબટ્ટી પુરન્દેશ્વરીને એના કારણે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યાં નથી.
જો પુરન્દેશ્વરીને સ્પીકર બનાવવામાં આવે તો તેઓ આંધ્ર પ્રદેશમાંથી સ્પીકર બનનારાં બીજાં નેતા બનશે. આ પહેલાં અમલાપુરમના સંસદસભ્ય જી.એમ. સી. બાલયોગી સ્પીકર હતા, ૨૦૦૨માં હેલિકૉપ્ટર ક્રૅશમાં તેમનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બનનારા નેતા અને TDPના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુનાં પત્ની નારા ભુવનેશ્વરી અને પુરન્દેશ્વરી બહેનો છે. પુરન્દેશ્વરી ચંદ્રાબાબુ નાયડુનાં સાળી છે. પુરન્દેશ્વરી ૨૦૦૪માં બાપતલા અને ૨૦૦૯માં વિશાખાપટ્ટનમમાંથી ચૂંટાયાં હતાં અને આ વખતે રાજમુન્દ્રીથી ચૂંટાયાં છે અને આંધ્ર પ્રદેશમાં BJP, TDP અને પવન કલ્યાણની જનસેના પાર્ટી વચ્ચે ગઠબંધન કરાવવામાં તેમની મોટી ભૂમિકા છે.