ચંદ્રાબાબુ નાયડુનાં પત્નીને પાંચ જ દિવસમાં થયો ૫૭૯ કરોડનો ફાયદો
ચંદ્રાબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી
આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટી (TDP)ની સરકાર આવતાં શૅરબજારમાં લિસ્ટેડ હેરિટેજ ફૂડ્સ લિમિટેડ કંપનીના શૅરે છલાંગ લગાવી છે, જેને કારણે માત્ર પાંચ દિવસમાં ચંદ્રાબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરીને ૫૭૯ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
૨૦૨૪ની ૩૧ માર્ચે આ કંપનીના શૅરનો ભાવ આશરે ૪૦૩ રૂપિયા હતો. જોકે ગયા પાંચ સેશનમાં શૅરનો ભાવ વધીને ૬૬૧.૭૫ રૂપિયા થયો છે. આ કંપનીમાં નારા ભુવનેશ્વરીની સૌથી વધુ ૨૪.૩૭ ટકા હિસ્સેદારી છે, તેમની પાસે ૨,૨૬,૧૧,૫૨૫ શૅર છે. લોકસભાનાં રિઝલ્ટ આવ્યા બાદ શૅરબજારમાં કડાકો બોલાયો હતો, પણ આ કંપનીના શૅરના ભાવ વધી રહ્યા છે.
ADVERTISEMENT
ભુવનેશ્વરીના પુત્ર નારા લોકેશ પાસે આ કંપનીના ૧,૦૦,૩૭,૪૫૩ અથવા તો ૧૦.૮૨ ટકા શૅર છે. આ કંપનીની શૅરહોલ્ડિંગ પૅટર્ન જોઈએ તો પ્રમોટરો પાસે ૪૧.૩૦ ટકા અને પબ્લિક પાસે ૫૮.૭૦ ટકા હિસ્સેદારી છે.
હેરિટેજ ફૂડ્સ કંપનીના ભાવ વધવા પાછળ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં થયેલો વિજય અને કેન્દ્રમાં NDAની સરકારમાં તેમની ભાગીદારી કારણભૂત છે. આ બે ડેવલપમેન્ટને લીધે શૅરબજારના રોકાણકારોને એવું લાગવા લાગ્યું છે કે હવે હેરિટેજ ફૂડ્સ કંપની જબદરસ્ત દેખાવ કરશે અને આ જ કારણસર એમાં લેવાલી નીકળી છે.