વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે સુરક્ષા એજન્સીને જાણ કર્યા વગર ગમે ત્યાં આવ-જા કરવી કે વિદેશમાં ફરવું જોખમી
રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊઠ્યા છે. Z+ સિક્યૉરિટી અને એમાં વિશેષ ASL (ઍડ્વાન્સ્ડ સિક્યૉરિટી લાયેઝન) કવર ધરાવતા રાહુલ ગાંધી સુરક્ષા-પ્રોટોકૉલ ન પાળતા હોવાની ફરિયાદ કરતો પત્ર CRPFના VVIP સિક્યૉરિટી પ્રમુખે રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાહુલ ગાંધી જે પણ સ્થળે જવાના હોય ત્યાં સુરક્ષા જવાનોએ વહેલા પહોંચીને એ સ્થળની તપાસ કરવાની હોય છે, પણ તેઓ વારંવાર સુરક્ષા અધિકારીઓને જણાવ્યા વગર અને શેડ્યુલમાં ન હોય એવાં સ્થળોએ આવ-જા કરતા રહે છે. તેઓ દેશમાં જ નહીં, વિદેશમાં પણ આગોતરી જાણકારી આપ્યા વગર જવા નીકળી જાય છે. આ પ્રકારની આવ-જા VIP વ્યક્તિ માટે ખૂબ જોખમી છે.’
પાછલા ૯ મહિનામાં રાહુલ ઇટલી, વિયેટનામ, દુબઈ, કતાર, લંડન અને મલેશિયા ફરી આવ્યા છે જેમાં તેમણે સુરક્ષા-પ્રોટોકૉલ તોડ્યો છે. થોડા સમય પહેલાં જ બિહારમાં મતદાન અધિકાર યાત્રા પછી રાહુલ ગાંધી તરત વિદેશમાં ફરવા નીકળી ગયા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો, જેની સામે ઘણા સવાલ ઊઠ્યા હતા. યાત્રામાં પણ એક વ્યક્તિ રાહુલની એકદમ નજીક પહોંચી જઈને તેમને કિસ કરી ગઈ હોવાની ઘટના સુરક્ષામાં મોટી ખામી તરીકે સામે આવી હતી.


