નક્સલવિરોધી અભિયાનોમાં મહત્ત્વની ભૂમિકા હતી એની, પૂરા સન્માન સાથે આપવામાં આવી વિદાય
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ડૉગી K-9 રોલોએ જીવ ગુમાવ્યો
છત્તીસગઢના બીજાપુરમાં એક વિશેષ અભિયાન દરમ્યાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ડૉગી K-9 રોલોએ જીવ ગુમાવ્યો હતો. રોલોનું મૃત્યુ મધમાખીઓના હુમલાને કારણે થયું હતું. રોલો એક બેલ્જિયન મેલિનૉઇસ બ્રીડની ડૉગી હતી. છત્તીસગઢ-તેલંગણની સીમા પર એ તહેનાત હતી. રોલો વિસ્ફોટકો સૂંઘી કાઢવામાં માહેર હતી.
CRPF અને છત્તીસગઢ પોલીસ પહાડી વિસ્તારોમાં સૌથી મોટા નક્સલવિરોધી અભિયાન પર કામ કરી રહી હતી. આ ઑપરેશન ત્રણ વીક સુધી ચાલ્યું. ટીમો જ્યારે આ અભિયાનથી પાછી ફરી રહી હતી ત્યારે અચાનક મધમાખીના વિશાળ ઝુંડે હુમલો કર્યો. પોલીસે રોલોને મધમાખીના ડંખથી બચાવવા માટે પૉલિથિન શીટથી ઢાંકી દીધી, પરંતુ કેટલીયે મધમાખીઓ શીટની અંદર ઘૂસી ગઈ હતી. મધમાખીઓના ડંખને કારણે તીવ્ર દર્દ અને બળતરાને કારણે રોલો શીટમાંથી બહાર આવી ગઈ અને ૨૦૦થી વધુ મધમાખીઓ એના પર તૂટી પડી. તાત્કાલિક ઉપચાર આપવાની કોશિશ થઈ, પણ ફાયદો ન થયો. એને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે એ પહેલાં જ એણે રસ્તામાં દમ તોડી દીધો. CRPFએ પૂરા સન્માન સાથે એની અંતિમ વિદાઈ કરી. રોલોને મરણોપરાંત સન્માન મળે એ માટે પોલીસે અરજી કરી છે.


