ખાલિસ્તાની સંગઠન વારિસ પંજાબ દેના ઓછામાં ઓછા પાંચ મેમ્બર્સનાં અનેક બૅન્ક અકાઉન્ટ્સમાં કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન્સ ડિટેક્ટ થયાં

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
તપાસ એજન્સીઓએ વારિસ પંજાબ દેના ઓછામાં ઓછા પાંચ મેમ્બર્સનાં અનેક બૅન્ક અકાઉન્ટ્સમાં ૪૦ કરોડ રૂપિયાથી વધુ રકમનાં શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન્સ ડિટેક્ટ કર્યાં છે. વારિસ પંજાબ દેના લીડર અમ્રિતપાલ સિંહને અત્યારે પોલીસ શોધી રહી છે.
સોર્સિસે જણાવ્યું હતું કે ‘દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના આંદોલન દરમ્યાન જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાને નામે આ રૂપિયા મેળવવામાં આવ્યા છે. ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રમોટ કરવાના નામે પણ રૂપિયા મેળવવામાં આવ્યા છે.
અમ્રિતપાલના નજીકના સાથી દલજિત સિંહ કલસી દ્વારા ૩૫ કરોડ રૂપિયાની રકમ મેળવવામાં આવી છે. જેની આ સંગઠનની વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી.
મોટા ભાગનાં ટ્રાન્ઝૅક્શન્સમાં રૂપિયા કૅશ ડિપોઝિટ્સ, આઇએમપીએસ (ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ) અને યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા મેળવવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝૅક્શન્સમાં બીજી એક પૅટર્ન એ જોવા મળી છે કે એટીએમ દ્વારા જુદા-જુદા સમયે મળીને કુલ ચારથી પાંચ કરોડ રૂપિયાની રકમ ઉપાડવામાં આવી હતી. તપાસ એજન્સીઓ અમ્રિતપાલનાં ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સની પણ તપાસ કરી રહી છે.
પાકિસ્તાનથી ડ્રોનના આતંક માટે પણ જવાબદાર?
પાકિસ્તાનમાંથી પંજાબમાં ડ્રગ્ઝ અને હથિયારોને ડ્રોન્સ દ્વારા મોકલવાનું પ્રમાણ છેલ્લાં બે વર્ષમાં વધ્યું છે. તપાસ એજન્સીઓને એવી શંકા છે કે એના માટે પણ ખાલિસ્તાની સમર્થક અમ્રિતપાલ જવાબદાર હોઈ શકે છે. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે નોટિસ કર્યું છે કે ગયા વર્ષે પંજાબમાં ૨૫૬ ડ્રોન્સની મૂવમેન્ટ જોવા મળી હતી, જેમાંથી ૯૦ ટકા ભારતના પ્રદેશમાં હતી.