ખડગેનું બ્લડ-પ્રેશર ઓછું થતાં તેઓ બેહોશ થયા હતા અને તાત્કાલિક કૉન્ગ્રેસ કાર્યકરોએ તેમને મેડિકલ સહાય અપાવી હતી
મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગઈ કાલે જમ્મુના કઠુઆમાં એક ચૂંટણીપ્રચાર રૅલીને સંબોધતા હતા ત્યારે એકાએક બેહોશ થયા હતા, પણ ત્યાર બાદ હોશમાં આવીને તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાંથી હટાવ્યા વિના હું મરીશ નહીં.
ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે સભાને સંબોધતાં ખડગેનું બ્લડ-પ્રેશર ઓછું થતાં તેઓ બેહોશ થયા હતા અને તાત્કાલિક કૉન્ગ્રેસ કાર્યકરોએ તેમને મેડિકલ સહાય અપાવી હતી. ઉપચાર બાદ તેઓ ફરી સ્ટેજ પર આવ્યા હતા અને કહ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આપણી લડત જારી રહેશે. હું ૮૩ વર્ષનો છું, પણ હું જલદી નહીં મરી જાઉં. જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાંથી હટાવીશ નહીં ત્યાં સુધી હું જીવતો રહીશ. મારે બોલવું હતું પણ મને ચક્કર આવ્યા હતા, એથી હું બેસી ગયો હતો.’