મોતીલાલ નેહરુને બ્રિટિશરોના અંશ ગણાવતાં થયો વિવાદ, કૉન્ગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ
કંગના રનૌત
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરની BJPની ઉમેદવાર કંગના રનૌતે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુને તેમના જમાનાના અંબાણી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પાસે અપાર દોલત ક્યાંથી આવી એનું રહસ્ય કોઈને ખબર નથી. તેઓ બ્રિટિશરોની નજીક હતા. કંગનાની મોતીલાલ નેહરુ વિશેની અભદ્ર ટિપ્પણી સામે કૉન્ગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી.
કૉન્ગ્રેસના કહેવા મુજબ હિમાચલ પ્રદેશમાં કદી પણ આવા પર્સનલ હુમલા કરાયા નથી. વિક્રમાદિત્ય અને બીજા નેતાઓ સામે અભદ્ર ટિપ્પણી બાદ તેણે હવે હદ વટાવી દીધી છે. તેણે સ્વાતંત્ર્ય સેનાની અને બિઝનેસમૅનની સરખામણી કરી છે. કંગનાએ સ્વાતંત્ર્ય સેનાની અને બૅરિસ્ટર સ્વ. મોતીલાલ નેહરુને બ્રિટિશરોનો અંશ ગણાવતાં કૉન્ગ્રેસે ફરિયાદ કરી હતી. કૉન્ગ્રેસના કહેવા મુજબ આ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ છે. જે વ્યક્તિ જીવિત નથી એની સામે ટિપ્પણી કરાઈ છે. કંગનાએ સોનિયા ગાંધીને ઇટાલિયન પત્ની ગણાવ્યાં હતાં.
ADVERTISEMENT
કંગનાએ એમ પણ કહ્યું હતું કે ભારતના પહેલા વડા પ્રધાન બનવા માટે પહેલી પસંદ સરદાર વલ્લભભાઈ પટેલ હતા પણ કેવી રીતે જવાહરલાલ નેહરુ વડા પ્રધાન બન્યા એ પણ રહસ્ય છે.
કૉન્ગ્રેસના લીગલ સેલે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કંગના સામે વારંવાર ફરિયાદ કરવામાં આવવા છતાં તે કૉન્ગ્રેસના ઉમેદવાર, તેમના પરિવારજનો અને કૉન્ગ્રેસની ટોચની નેતાગીરીના વિરોધમાં સતત અભદ્ર ટિપ્પણી કરી રહી છે. અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ પણ તેની સામે પગલાં લેવામાં આવતાં નથી.