ચીન ખૂબ જ ઝડપથી બૉર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે અને વાસ્તવિક અંકુશ રેખા પર જવાનોની સંખ્યા ઘટાડી નથી

પ્રતીકાત્મક તસવીર
આર્મીના ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે ચીન ખૂબ જ ઝડપથી બૉર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે અને વાસ્તવિક અંકુશ રેખા પર જવાનોની સંખ્યા ઘટાડી નથી. તેમણે કહ્યું હતું કે એકંદરે વાસ્તવિક અંકુશ રેખા પર સ્થિતિ સ્થિર છે, પરંતુ સ્થિતિ પર ખાસ નજર રાખવાની જરૂર છે.
જનરલ પાંડેએ કહ્યું હતું કે ‘આપણી પાસે કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે પૂરતાં પ્રમાણમાં સંસાધનો છે. નવી ટેક્નૉલૉજી અને વેપન સિસ્ટમના ઉપયોગથી આપણી ક્ષમતા વધારવામાં આવી રહી છે, જેની સાથે જ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ફોકસ કરી રહ્યા છીએ, ખાસ કરીને ફૉર્વર્ડ એરિયામાં હેલિપૅડ અને રસ્તાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.’
ભારતમાં XBB.1.16 વેરિઅન્ટના કુલ ૭૬ કેસ નોંધાયા
કોરોનાના XBB.1.16 વેરિઅન્ટના દેશમાં કુલ ૭૬ કેસ નોંધાયા છે, જે દેશમાં કોરોનાના કેસમાં તાજેતરમાં થયેલા વધારા માટેનું કારણ હોઈ શકે છે. ઇન્ડિયન સાર્સ-સીઓવી-ટૂ જીનોમિક્સ કન્સોર્ટિયમ (ઇન્સાકૉગ)ના ડેટા અનુસાર આ વેરિઅન્ટના કર્ણાટકમાં ૩૦, મહારાષ્ટ્રમાં ૨૯, પૉન્ડિચેરીમાં ૭, દિલ્હીમાં પાંચ, તેલંગણમાં બે તેમ જ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક-એક કેસ આવ્યા છે. XBB.1.16 વેરિઅન્ટનો કેસ સૌપ્રથમ જાન્યુઆરીમાં નોંધાયો હતો. ભારતમાં ગઈ કાલે કોરોનાના દૈનિક નવા કેસ ૧૨૬ દિવસ બાદ ૮૦૦થી વધી ગયા હતા.
મહેકતો નહીં, પરંતુ પૌષ્ટિક બુકે
નવી દિલ્હીમાં ગઈ કાલે વૈશ્વિક જાડા ધાન્ય પરિષદના ઉદ્ઘાટન દરમ્યાન કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પાસેથી જાડા ધાન્યનો બુકે મેળવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. વડા પ્રધાને આ પરિષદમાં કહ્યું હતું કે જાડા ધાન્ય અન્ન સુરક્ષાના પડકારનો સામનો કરવામાં મદદ કરી શકે છે અને ભારત જાડા ધાન્ય કે શ્રી અન્નને પ્રમોટ કરવા માટે સતત કામ કરી રહ્યું છે.
ઑસ્કર-જીત બદલ અભિનંદન આપ્યાં
ઍક્ટર રામચરણ તેમના ફાધર ચિરંજીવી સાથે શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. નોંધપાત્ર છે કે રામચરણની ફિલ્મ ‘RRR’ના સૉન્ગ ‘નાટુ નાટુ’ ઑસ્કર અવૉર્ડ જીત્યું છે. ગૃહપ્રધાને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગની કૅટેગરીમાં ‘નાટુ નાટુ’ની ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન આપ્યાં હતાં.
એક્સપ્રેસવે જળમગ્ન થઈ ગયો
ગુરુગ્રામમાં ગઈ કાલે ભારે વરસાદ બાદ પાણીમાં સમાઈ ગયેલા દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવેમાંથી પસાર થઈ રહેલા લોકો. દિલ્હી-એનસીઆર રીજનમાં સૌથી વધુ વરસાદ ગુરુગ્રામમાં પડ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ ગઈ કાલે વરસાદ અને કરા પડ્યા હતા, જેને લીધે તાપમાનમાં ઘટાડો થયો છે.
સીબીએસઈએ પહેલી એપ્રિલ પહેલાં ઍકૅડેમિક સેશનની શરૂઆત ન કરવા કહ્યું
સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)એ સ્કૂલોને પહેલી એપ્રિલ પહેલાં ઍકૅડેમિક સેશનની શરૂઆત ન કરવા જણાવ્યું છે. બોર્ડે જણાવ્યું છે કે પહેલી એપ્રિલ પહેલાં સ્કૂલો શરૂ કરી દેવાથી સ્ટુડન્ટ્સને એંગ્ઝાઇટી થઈ શકે છે અને તેઓ અત્યંત થાક અનુભવી શકે છે. અનેક સ્કૂલોએ, ખાસ કરીને ધોરણ ૧૦ અને ૧૨ માટે તેમનાં ઍકૅડેમિક સેશન્સ શરૂ કરી દેતાં સીબીએસઈ દ્વારા આ વૉર્નિંગ આપવામાં આવી છે.
સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ કહ્યું હતું કે કેટલીક સીબીએસઈ સ્કૂલોએ આ વર્ષે તેમનાં ઍકૅડેમિક સેશનની વહેલી શરૂઆત કરી દીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. બોર્ડે નોંધ્યું છે કે ઍકૅડેમિક સેશનની વહેલી શરૂઆત કરવાથી સ્ટુડન્ટ્સને લાઇફ સ્કિલ્સ શીખવા, વૅલ્યુ એજ્યુકેશન, હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશન અને કમ્યુનિટી સર્વિસ જેવી એક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટીઝ માટે પૂરતો સમય મળતો નથી. શિક્ષણમાં આ તમામ ઍક્ટિવિટીઝનું મહત્ત્વ એટલું જ છે.