કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ગઈ કાલે આ જાણકારી પૂરી પાડી હતી

રામસેતુ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રામસેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવાના સંબંધમાં એના દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ આ મુદ્દે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યન સ્વામી દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અદાલતે બીજેપીના આ લીડરને જણાવ્યું હતું કે જો તેઓ ઇચ્છે તો સરકારને રજૂઆત કરી શકે છે.
અદાલતે જણાવ્યું હતું કે ‘સૉલિસિટર જનરલ તુષાર મહેતા જણાવે છે કે સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયમાં અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અરજી કરનારા સ્વામી કદાચ ઇચ્છે તો વધુ જાણકારી પૂરી પાડી શકે છે.’
અદાલતે આ મુદ્દે નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું અને જો સ્વામી સરકારના નિર્ણયથી અસંતુષ્ટ હોય તો તેમને ફરી આ મુદ્દે અદાલતમાં આવવાની છૂટ આપી હતી. અદાલતે આ મુદ્દે સ્વામીની વચગાળાની અરજીનો નિકાલ કર્યો હતો.
સ્વામીએ કહ્યું હતું કે ‘હું કોઈને મળવા ઇચ્છતો નથી. અમે એક જ પાર્ટીમાં છીએ, એ વાત અમારા ઘોષણાપત્રમાં છે. તેમને છએક અઠવાડિયાંમાં નક્કી કરવા દો. હું ફરી આવીશ.’
સ્વામીએ વધુ કહ્યું હતું કે ૨૦૧૯માં એ સમયના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે આ મુદ્દે એક મીટિંગ બોલાવી હતી અને એમાં રામસેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવા માટે ભલામણ કરી હતી.