આ યુનિટે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી

મનીષ સિસોદિયા ફાઇલ તસવીર
નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટી (એએપી - આપ)ના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં સીબીઆઇએ તેમની વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કર્યો છે. આ કેસ ફીડબૅક યુનિટ દ્વારા જાસૂસી કરવાના સંબંધમાં છે. ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિસોદિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની અને તપાસ કરવાની સીબીઆઇને મંજૂરી આપી હતી.
વાસ્તવમાં દિલ્હી સરકારમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ મનીષ સિસોદિયાની પાસે હતું, જેમાં સીક્રેટ સર્વિસ ખર્ચ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈની સાથે ૨૦૧૬માં આ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે એમાં ૨૦ અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી. આ યુનિટે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી. આ યુનિટે ન ફક્ત બીજેપીના, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નજર રાખી હતી.
સીબીઆઇએ એના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં આરોપ મૂક્યો છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૨૦૧૫માં એક કૅબિનેટ મીટિંગમાં આ યુનિટ સ્થાપવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે કોઈ એજન્ડા-નૉટ સર્ક્યુલેટ કરવામાં નહોતી આવી. વળી, ફીડબૅક યુનિટમાં નિમણૂક માટે ઉપરાજ્યપાલ તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી.
કેજરીવાલે નવા કેસ વિશે કહ્યું હતું કે ‘મનીષની વિરુદ્ધ અનેક ખોટા કેસ દાખલ કરીને તેમને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાનો પીએમનો પ્લાન છે. દેશ માટે આ દુઃખની બાબત છે.’