કૉન્ગ્રેસ નેતા સંદીપ દિક્ષિત અને ભૂતપૂર્વ પ્રધાન મંગત રામે એલ. જી. વિકે સકસેનાને યુએપીએ અંતર્ગત એનઆઇએ પાસેથી તપાસની માગણી કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આપના જાસૂસી કાંડમાં એનઆઇએની એન્ટ્રી
નવી દિલ્હી: લિકર કોભાંડમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટી સરકારની મુશ્કેલીઓ કહેવાતા જાસૂસી કાંડમાં પણ વધી શકે છે. ફીડબૅક યુનિટ દ્વારા નેતાઓની જાસૂસી કરાવવાના મામલે કૉન્ગ્રેસ પાર્ટીએ એનઆઇએ દ્વારા તપાસની માંગ કરી હતી. કૉન્ગ્રેસ નેતા સંદીપ દિક્ષિત અને ભૂતપૂર્વ પ્રધાન મંગત રામે એલ. જી. વિકે સકસેનાને યુએપીએ અંતર્ગત એનઆઇએ પાસેથી તપાસની માગણી કરી હતી. એલજીએ આ મામલે મુખ્ય સચિવને મોકલતાં જરૂરી ઍક્શન લેવા માટે કહ્યું છે. દિલ્હીના કથિત જાસૂસી કાંડમાં સીબીઆઇની તપાસની મંજૂરી પહેલેથી જ આપવામાં આવી છે. સીબીઆઇએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એફબીયુએ કથિત રીતે રાજકીય રીતે ખુફિયા ગણી શકાય એવી માહિતી એકઠી કરી હતી.
દોહા જતી ભારતીય ફ્લાઇટનું પાકિસ્તાનમાં ઇમર્જન્સી લૅન્ડિંગ
નવી દિલ્હી : નવી દિલ્હીથી દોહા જઈ રહેલા ઇન્ડિગોના એક પ્લેનને મેડિકલ ઇમર્જન્સી માટે કરાચી ડાઇવર્ટ કરવું પડ્યું હતું. ઍરલાઇન્સે ગઈ કાલે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે મેડિકલ ઇમર્જન્સીને કારણે પ્લેનને તત્કાળ કરાચી ડાઇવર્ટ કરાયું હોવા છતાં ઍરપોર્ટ મેડિકલ ટીમ દ્વારા યાત્રીને ઍરપોર્ટ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્લેન દિલ્હીથી કતાર જઈ રહ્યું હતું એ વખતે આ ઘટના બની હતી. ઍરલાઇન્સે જણાવ્યું છે કે એ સંબંધિત અધિકારીઓ સાથે મળીને પ્લેનના અન્ય પ્રવાસીઓને ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. ઇન્ડિગોએ એના નિવેદનમાં મરનારના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
મડાગાસ્કરમાં બોટ ડૂબી જતાં બાવીસનાં મૃત્યુ
એન્ટાનાનારીવો (આઇ.એ.એન.એસ.) : મડાગાસ્કરના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ઊંધી વળતાં લગભગ બાવીસ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાનું ઈસ્ટ આફ્રિકા દેશના બંદરના અધિકારીઓએ જણાવ્યું હતું.
મડાગાસ્કરના દરિયાકાંઠે થયેલા અકસ્માતમાં લગભગ ૪૭ લોકોને લઈ જતી બોટ શનિવારે ઊંધી વળી ગઈ હતી, એમ મૅરિટાઇમ અને રિવરપોર્ટ એજન્સીએ રવિવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.
બોટ પરના ૨૩ જણને બચાવી લેવાયા હતા તેમ જ ગુમ થયેલા લોકોને બચાવવાનું કાર્ય ચાલુ હોવાનું શીનહુઆ ન્યુઝ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું. બોટ ફ્રેન્ચ વિદેશી ટાપુ મેયોટ્ટે તરફ જઈ રહી હતી.