જહાજ પર ૮૪.૪૪ મેટ્રિક ટન ડીઝલ અને ૩૬૭.૧ મેટ્રિક ટન ફર્નેસ ઑઇલ પણ હતું. જહાજ પલટવાથી એમાંથી ઑઇલ સહિતનો સામાન દરિયામાં વહેવા લાગ્યો હતો
લાઇબેરિયાનું કાર્ગો જહાજ
લાઇબેરિયન કાર્ગો જહાજ MSC એલ્સા 3 કેરલાના કોચી નજીક દરિયામાં ડૂબ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા જહાજમાં સવાર તમામ ૨૪ ક્રૂ-મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ૬૪૦ કન્ટેનર લઈને જઈ રહ્યું હતું, જેમાં કેટલાંક કન્ટેનરમાં કૅલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ અને ફર્નેસ ઑઇલ સહિતનો જોખમી સામાન ભરેલો હતો. આ સિવાય જહાજ પર ૮૪.૪૪ મેટ્રિક ટન ડીઝલ અને ૩૬૭.૧ મેટ્રિક ટન ફર્નેસ ઑઇલ પણ હતું. જહાજ પલટવાથી એમાંથી ઑઇલ સહિતનો સામાન દરિયામાં વહેવા લાગ્યો હતો જે ઘટનાને જોતાં કેરલા રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અલર્ટ જાહેર કરી દીધી છે. વિભાગે કહ્યું છે કે ‘લોકો દરિયાનાકિનારેથી આવતી વસ્તુઓથી દૂર રહે, એને સ્પર્શ ન કરે. પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવાઈ છે અને લોકોને એ વસ્તુઓથી દૂર રહેવાનું કહેવાયું છે, જેને લઈને શંકા હોય કે આ ડૂબેલા જહાજથી નીકળી હોય અને તણાઈને કિનારે આવી ગઈ હોય. લોકોએ એવી વસ્તુઓથી ઓછામાં ઓછા બસો મીટર દૂર રહેવું જોઈએ.’
ADVERTISEMENT
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે જહાજના એક હોલ્ડમાં પાણી ભરાઈ જવાના કારણે એ ડૂબી ગયું. ઑઇલ ફેલાવાને કારણે પ્રદૂષણનો ખતરો છે, પરંતુ એને જોતાં જરૂરી તૈયારીઓ થઈ રહી છે.

