G-20 સમિટ માટે આવેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું વિમાન ખરાબ થઈ ગયું હતું. 24 કલાક પછી પણ તે ખામીને સુધારી શકાઈ નથી. હવે ટ્રુડો અને તેમની પ્રતિનિધિમંડળને લઈ જવા માટે કેનેડાથી બીજું પ્લેન આવી રહ્યું છે.

કેનેડાના PM જસ્ટિન ટ્રુડો (ફાઈલ તસવીર)
G-20 સમિટ માટે આવેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું વિમાન ખરાબ થઈ ગયું છે. જેના કારણે તેઓ જી-20 સમિટ પૂરી થઈ ગઈ હોવા છતાં નવી દિલ્હીમાં ફસાયા છે. કેનેડિયન મીડિયાએ તો આને બીજી વખત ભારતમાં થયેલું શરમજનક કૃત્ય ગણાવ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ એરક્રાફ્ટમાં જે ટેકનિકલ ખામી છે તેને દૂર કરવામાં આવશે. પરંતુ 24 કલાક પછી પણ તે ખામીને સુધારી શકાઈ નથી. ત્યારબાદ હવે ટ્રુડો અને તેમની સાથેના પ્રતિનિધિમંડળને લઈ જવા માટે કેનેડાથી બીજું પોલારિસ પ્લેન આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ટેક-ઓફના થોડા સમય પહેલા જ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. વડાપ્રધાન કાર્યાલય તરફથી એમ કહેવામાં આવી રહ્યું છે કે બેકઅપ એરબસ CFC002 ટ્રેન્ટનથી રવાના થઈ ગયું છે. પ્લેનની ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર તેણે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ઉડાન ભરી હતી. G-20 સમિટ બાદ વડાપ્રધાન ટ્રુડો રવિવારે રાત્રે નવી દિલ્હીથી પરત આવવાના હતા. જોકે, સશસ્ત્ર દળોએ પ્રી-ફ્લાઇટ ચેકિંગ દરમિયાન ટેકનિકલ સમસ્યાને કારણે CFC001 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દીધું હતું. કેનેડાના નેશનલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પ્લેનનો એક ભાગ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ ભાગને તાબડતોબ બદલવાની બદલવાની સર્જાઇ હતી.
આ કંઈ પહેલીવાર બન્યું નથી કે પ્લેનમાં ટેકનિકલ ખરાબી આવી હોય. ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળ પહેલા પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા છે. 2016માં કેનેડાથી બેલ્જિયમ જતી વખતે પણ આ સમસ્યા સર્જાઈ હતી. આ કારણે પ્લેનને ટેક ઓફ કર્યા બાદ માત્ર 30 મિનિટમાં જ પરત ફરવું પડ્યું હતું. વર્ષ 2019માં રોયલ કેનેડિયન એર ફોર્સ અનુસાર ઑન્ટારિયોના 8 વિંગ ટ્રેન્ટન હેંગર તરફ ખેંચવામાં આવી રહી હતી ત્યારે વિમાન દિવાલ સાથે અથડાયું હતું. ત્યારબાદ એરક્રાફ્ટને નુકસાનને કારણે કેટલાક મહિનાઓ માટે સેવામાંથી દૂર રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટ્રુડોને ડિસેમ્બર 2019માં નાટો સમિટમાં હાજરી આપવા માટે બેકઅપ એરક્રાફ્ટ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. પરંતુ તેના એન્જિનમાં પણ સમસ્યા સર્જાઇ હતી. પોલારિસ ફ્લીટમાં પાંચ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. જે 2027માં રિટાયર થવાની સંભાવના છે. કેનેડિયન મીડિયા આ ઘટનાને શરમજનક ગણાવી રહ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેનેડિયન સીટીવી પત્રકારે કહ્યું હતું કે, “ભારતમાં બીજી વખત કેનેડા સરકાર માટે આ શરમજનક અવસર છે. અગાઉ જ્યારે કેનેડિયન પીએમ 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની ભારતીય કપડાંની પસંદગીની ટીકા કરવામાં આવી હતી અને તે પ્રવાસ પણ આપત્તિજનક રહ્યો હતો.”