કોઈ પણ પ્રકારના બ્યુટિફિકેશનના આંકડા દેશભરમાં ફેલાયેલા આર્થિક ગૂંચવાડાને સંતાડી શકે નહીં : કૉન્ગ્રેસ
શનિવારે G20 સમિટમાં વડા પ્રધાન મોદી અને અન્ય મહાનુભાવો.
નવી દિલ્હી ઃ ગઈ કાલે કૉન્ગ્રેસે જણાવ્યું કે બીજેપીના નેતૃત્વવાળી સરકારે G20 સમિટના નામે ૪૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. કૉન્ગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે ટ્વિટર પર લખ્યું કે ‘G20 સમિટ માટે ફાળવાયેલું બજેટ માત્ર ૯૯૦ કરોડ રૂપિયા હતું, પણ બીજેપીની સરકારે ૪૧૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. આની સામે અન્ય દેશની વાત કરીએ તો ઇન્ડોનેશિયાએ ભારતના ખર્ચ સામે માત્ર ૧૦ ટકા ખર્ચ કર્યો હતો, એણે બાલી સમિટમાં મહત્તમ ૩૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોરોનાની મહામારી બાદ વિશ્વભરની સરકારે તમામ પબ્લિક ઇવેન્ટ પર થતા ખર્ચમાં ઘટાડો કર્યો હતો. આ સરકારે સસ્તાં એલપીજી કે પેટ્રોલ-ડીઝલનો વાયદો પૂરો નથી કર્યો. પાકમાં નુકસાની વેઠનાર ખેડૂતોનાં વળતર પણ નામંજૂર કર્યાં હતાં, પૂર અસરગ્રસ્ત હિમાચલ પ્રદેશને પણ ફરી ઊભું કરવા માટે કોઈ ફન્ડની જાહેરાત થઈ નથી. આ માત્ર ઇમેજ બિલ્ડિંગ માટે બજેટમાં વધારો કર્યો છે. કોઈ પણ પ્રકારના બ્યુટિફિકેશનના આંકડા દેશભરમાં ફેલાયેલા આર્થિક ગૂંચવાડાને સંતાડી ન શકે. આપણે ક્યાંય આગળ જવાની જરૂર નથી, પણ ભારત મંડપમમાં આવેલાં પૂરથી જ જાણી શકાય કે કઈ રીતે લોકોના પૈસા ગટરમાં ગયા છે.’ તેણે G20 સમિટના મુખ્ય સ્થાને એટલે કે ભારત મંડપમમાં ભરાયેલાં પાણીના વાઇરલ વિડિયોના રેફરન્સમાં આમ લખ્યું હતું.

