Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Budget 2022-23 : જાણી લો, શું છે બજેટમાં?

Budget 2022-23 : જાણી લો, શું છે બજેટમાં?

02 February, 2022 08:57 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે બજેટમાં સરકારની આ પ્રાથમિકતાઓની જાહેરાત કરી હતી

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

Union Budget 2022

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે બજેટમાં સરકારની આ પ્રાથમિકતાઓની જાહેરાત કરી હતીઃ

પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતામાં વૃદ્ધિ, નવાં ક્ષેત્રોમાં સંભાવનાઓનો વિકાસ, ઊર્જા ક્ષેત્રે પરિવર્તન, પર્યાવરણનું જતન, રોકાણો માટે નાણાંની પ્રાપ્તિ



સરકારે જાહેર કરેલાં ગતિશક્તિનાં સાત એન્જિન


રેલવે, ઍરપોર્ટ, બંદર, જાહેર પરિવહન, જળપરિવહન, લૉજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ગતિશક્તિનો પ્લાન


આવતા નાણાકીય વર્ષમાં એક્સપ્રેસવે માટે પીએમ ગતિશક્તિ માસ્ટરપ્લાન ઘડવામાં આવશે.
રાષ્ટ્રીય ધોરી માર્ગોના નેટવર્કનો વિસ્તાર કરીને ૨૫,૦૦૦ કિલોમીટરનો ઉમેરો કરવામાં આવશે.

ગતિશક્તિમાં રેલવે માટેનાં પગલાં

આવતાં ત્રણ વર્ષમાં ૪૦૦ અત્યાધુનિક વંદે ભારત ટ્રેન વિકસાવવામાં અને ઉત્પાદિત કરવામાં આવશે.
સ્થાનિક બિઝનેસને મદદ કરવા માટે દરેક સ્ટેશનને સ્થાનિક કોઈ એક વસ્તુ સાથે સાંકળવામાં આવશે.
રેલવેમાં ત્રણ વર્ષમાં ૧૦૦ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે.

ડિજિટાઇઝેશન માટેનાં પગલાં

લૉજિસ્ટિક્સ માટે અલગ-અલગ પરિવહન માધ્યમોનું સર્વાંગી માધ્યમ ઊભું કરવામાં આવશે, જેમાં તમામ માધ્યમોના ઑપરેટરો ડેટાનું આદાનપ્રદાન કરી શકશે.
લોકોના કૌશલ્યને વધારવા માટે તથા રોજગાર-સર્જન માટે ડિજિટલ ઇકો-સિસ્ટમ રચવામાં આવશે. એમાં ઑનલાઇન તાલીમ આપવામાં આવશે અને યોગ્ય નોકરી મેળવવામાં મદદ કરવામાં આવશે. 
આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ ઇકો-સિસ્ટમ વિકસાવવા માટે મુક્ત મંચ ઊભો કરવામાં આવશે.

બજેટમાં ખેતી માટેની જાહેરાતો

૧૬૩ લાખ ખેડૂતો પાસેથી ૧,૨૦૮ લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખા પ્રોક્યોર કરવામાં આવશે. 
ખેડૂતોને ટેકાના ભાવરૂપે ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
ખેતીને રસાયણમુક્ત બનાવવામાં આવશે અને દેશભરમાં એને પ્રોત્સાહન આપવામાં આવશે. એની શરૂઆત ગંગા નદીના તટ પર પાંચ કિલોમીટર લાંબા કૉરિડોરથી કરવામાં આવશે.
ખેડૂતો માટેનાં ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવશે. ડ્રોનની મદદથી પાકનો અંદાજ લેવાશે, જમીનના રેકૉર્ડ તૈયાર કરવામાં આવશે તથા જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવશે. 
પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતો માટે સર્વાંગી પૅકેજ તૈયાર કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકારો અને એમએસએમઈનો સહયોગ હશે. 
જાડાં ધાન્યોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા માટે સહાય કરાશે. તેલીબિયાંની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટેની યોજના ઘડાશે, જેમાં તેલીબિયાંનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટેના પ્રયાસ હશે. ખેતી અને ગ્રામીણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને નાણાં મળી રહે એ હેતુથી નાબાર્ડ મારફત એક ભંડોળ ઊભું કરવામાં આવશે, જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું રોકાણ લેવાશે.  ખેડૂતોને ડિજિટલ અને અત્યાધુનિક સેવાઓ મળી રહે એ માટે સરકારી અને ખાનગી ક્ષેત્રના સહયોગથી યોજના શરૂ કરાશે.

શિક્ષણ ક્ષેત્ર માટેનાં પગલાં

કૃષિ વિદ્યાપીઠોમાં પ્રાકૃતિક ખેતી, શૂન્ય બજેટની ખેતી અને ઑર્ગેનિક ખેતી શીખવવામાં આવે એ માટે રાજ્યોને અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
પીએમ ઈ-વિદ્યા કાર્યક્રમ હેઠળ દરેક ધોરણ માટે એક ટીવી-ચૅનલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ આ ચૅનલોની સંખ્યા ૧૨ છે, જે વધારીને ૨૦૦ કરવામાં આવશે.
ઈ-વિદ્યા માધ્યમની મદદથી રાજ્યો પહેલાથી બારમા ધોરણ સુધીનાં બાળકોને પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપી શકાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૪૮,૦૦૦ કરોડની ફાળવણી

૨૦૨૨-’૨૩માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિશ્ચિત લાભાર્થીઓ માટે ૮૦ લાખ નવાં ઘર બનાવવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓ તરીકે ૬૦,૦૦૦ ઘરની નોંધ કરવામાં આવશે. 
૨૦૨૨-’૨૩માં અફૉર્ડેબલ હાઉસિંગ યોજના માટે ૮૦ લાખ પરિવારોની નોંધ કરવામાં આવશે.

રાજકોષીય ખાધ

વર્તમાન નાણાકીય વર્ષની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના ૬.૯ ટકા જેટલી રહેશે. બજેટમાં ૬.૮ ટકાનો અંદાજ રખાયો હતો. આવતા વર્ષ માટે ૬.૪ ટકાનો અંદાજ રખાયો છે.

સરકાર સૉવરિન ગ્રીન બૉન્ડ લૉન્ચ કરશે

નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ દેશમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાની દૃષ્ટિએ અમલમાં મુકાનારા પ્રોજેક્ટ્સમાં સૉવરિન ગ્રીન બૉન્ડ્સનાં નાણાં વાપરવામાં આવશે. 
આવતા નાણાકીય વર્ષ માટેના સરકારના કરજ લેવાના કાર્યક્રમ હેઠળ આ બૉન્ડ ઇશ્યુ કરવામાં આવશે. 
બૉન્ડ દ્વારા મળનારાં નાણાંનો ઉપયોગ સરકારી કંપનીઓના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

જીએસટીના કલેક્શન વિશે નાણાપ્રધાને કરી ખાસ જાહેરાત

બજેટના ભાષણમાં સમાવેશ ન હોવા છતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાન્યુઆરી ૨૦૨૨ના જીએસટીના કલેક્શનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યા મુજબ જાન્યુઆરીનું કલેક્શન ૧,૪૦,૯૮૬ કરોડ રૂપિયા થયું હતું, જે જીએસટી લાગુ પડ્યા બાદનું સર્વોચ્ચ કલેક્શન હતું.

કરવેરાની જાહેરાતો

કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી.
છત્રીઓ પરની કસ્ટમ્સ ડ્યુટી વધારીને ૨૦ ટકા કરવામાં આવી.

અન્ય મુખ્ય જાહેરાતો

સરકાર આ વર્ષે 5જી સ્પેક્ટ્રમની હરાજી કરશે.
મૂડીગત ખર્ચમાં વધારો કરીને ૭.૫૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
આવતા નાણાકીય વર્ષમાં ઈ-પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવશે. 
સ્ટાર્ટઅપ્સ માટેની કરવેરાની સવલતો આપવાનો સમયગાળો ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી લંબાવાયો.

વ્યક્તિગત કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાત નથી

વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરાના સ્લૅબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક્ઝમ્પ્શન તથા ડિડક્શન સંબંધે પણ કોઈ જાહેરાત થઈ નથી. 
કરદાતાઓ સંબંધિત આકારણી વર્ષ પૂરું થયા બાદ બે વર્ષની અંદર સુધારિત રિટર્ન્સ ફાઇલ કરી શકશે. આ નવી જોગવાઈને પગલે સ્વૈચ્છિક ફાઇલિંગનું પ્રમાણ વધશે અને કાનૂની ખટલાઓની સંખ્યા પણ ઘટશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે નૅશનલ પેન્શન સ્કીમમાં કરાતા એમ્પ્લૉયરના યોગદાન માટે હવે ૧૦ ટકાને બદલે ૧૪ ટકાનું ડિડક્શન મળશે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2022 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK