જંતર-મંતર પાસે વિરોધ-પ્રદર્શનમાં ૩ પોલીસ-કર્મચારીઓ સામે લાગેલા આરોપ બાદ ૬ ઑક્ટોબરથી નિર્ણય લાગુ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સચિન શર્મા સહિત અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) રૅન્કથી ઉપરના પોલીસ-અધિકારીઓ માટે ૬ ઑક્ટોબરથી બૉડી-કૅમેરા પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તાજેતરમાં દિલ્હીના પોલીસ-અધિકારીઓ પર છેડતીના આરોપ લાગ્યા બાદ જવાનો અને અધિકારીઓને બૉડી-કૅમેરા આપવામાં આવ્યા છે. આ કૅમેરામાં વિડિયો-ફુટેજ રેકૉર્ડ થતું રહેશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાની તપાસ સરળ બનશે.
૩ ઑક્ટોબરે જંતર-મંતર પાસે વિરોધ-પ્રદર્શન દરમ્યાન ૩ મહિલા પત્રકારોએ ACP વિવેક ભગત સહિત ૩ પોલીસ-કર્મચારીઓ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊઠ્યા બાદ લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘મહિલા પત્રકારના આરોપ બાદ સેંકડો પત્રકારો કલાકોથી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી સાથે બેઠા છે પણ પોલીસે આ પાયાનું કામ કર્યું નથી. અગાઉ પણ વિડિયો-પુરાવા સાથે આપણે જોયું છે કે પોલીસ-ઑફિસરો મહિલાઓ સાથે ગંદું ગેરવર્તન કરે છે.’
