કૉન્ગ્રેસને ઇલેક્ટોરલ બૉન્ડમાંથી ૧૭૧ કરોડ રૂપિયાની રકમ મળી હતી
પ્રતીકાત્મક તસવીર
શાસક બીજેપીને ૨૦૨૨-’૨૩ના વર્ષ દરમ્યાન ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ૧૩૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા, જે સમાન સમયગાળામાં કૉન્ગ્રેસને મળેલી રકમ કરતાં સાત ગણી છે. બીજેપીને ૨૦૨૨-’૨૩ના વર્ષમાં કુલ ૨૧૨૦ કરોડ રૂપિયાની રકમ મળી હતી અને એમાં ઇલેક્ટોરલ બૉન્ડનો હિસ્સો ૬૧ ટકા હતો, એમ ચૂંટણી પંચને પક્ષે સુપરત કરેલા વાર્ષિક ઑડિટેડ રિપોર્ટમાં જણાવ્યું હતું. પક્ષને નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં કુલ ૧૭૭૫ કરોડ રૂપિયાની રકમ મળી હતી, જ્યારે ૨૦૨૨-’૨૩ના વર્ષમાં આ રકમ ૨૩૬૦.૮ કરોડ રૂપિયા હતી.
સામે પક્ષે કૉન્ગ્રેસને ઇલેક્ટોરલ બૉન્ડમાંથી ૧૭૧ કરોડ રૂપિયાની રકમ મળી હતી, જે ૨૦૨૧-’૨૨ના વર્ષમાં ૨૩૬ કરોડ રૂપિયા હતી. આમ આ રકમમાં ૬૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.
બીજેપી અને કૉન્ગ્રેસ (બન્ને) રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા ધરાવે છે. રાજ્ય સ્તરે માન્યતા પ્રાપ્ત સમાજવાદી પક્ષને ૨૦૨૧-’૨૨માં ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ૩.૨ કરોડ રૂપિયા મળ્યા હતા. રાજ્ય સ્તરે માન્યતાપ્રાપ્ત ટીડીપીને ૨૦૨૨-’૨૩માં ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ૩૪ કરોડ રૂપિયા મળ્યા હતા.